બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાઇ શકે છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને અલ્ટીમેટમ આપ્યું છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે, તેજસ્વી યાદવે તેમનું બીજું મતદાર ઓળખપત્ર જમા કરાવવું જોઈએ. વાસ્તવમાં આ મામલો બીજા EPIC નંબર સાથે સંબંધિત છે.


ચૂંટણી પંચની ચેતાવણી

તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે, મતદાર યાદીમાં તેમનું નામ જ નથી અને સાથે EPIC નંબર RAB2916120 પણ બતાવ્યો હતો. પરંતુ તપાસ બાદ જિલ્લા વહીવટીતંત્રે આ EPIC નંબરને નકલી જાહેર કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે આ EPIC નંબર ચૂંટણી પંચ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ક્યારેય જારી કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નંબરનો રેકોર્ડ કોઈપણ સરકારી ડેટાબેઝમાં હાજર નથી. જિલ્લા વહીવટીતંત્રે ફરી એકવાર તેજસ્વી યાદવને નોટિસ મોકલીને 16 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં સંબંધિત કચેરીમાં આ EPIC નંબર ધરાવતું મતદાર ઓળખપત્ર સબમિટ કરવા આદેશ આપ્યા છે. અને સાથે જ ચેતવણી પણ આપી છે કે, નકલી મતદાર ઓળખપત્ર બનાવવું અને તેનો ઉપયોગ કરવો એ કાયદેસર ગુનો છે. જેના માટે કડક કાર્યવાહી થઈ શકે છે.

તેજસ્વીના દાવા પોકળઃ ચૂંટણી પંચ

ચૂંટણી પંચે તેજસ્વીના દાવાને 'ભ્રામક અને તથ્યહીન' ગણાવ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે તેજસ્વીનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સીરીયલ નંબર 416, બૂથ 204 પર નોંધાયેલું છે અને તેમનો EPIC નંબર RAB0456228 છે. તેમણે 2020ની ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે તેજસ્વી દ્વારા ઉલ્લેખિત બીજો EPIC નંબર RAB2916120 અસ્તિત્વમાં નથી. હવે ચૂંટણી પંચે તેની તપાસ શરૂ કરી છે અને બે મતદાર ID હોવા બદલ FIR કરવાની ચેતવણી આપી છે. 

  • Follow us on: