દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનસુનાવણી દરમિયાન ગુજરાતના રાજકોટમાં રહેતા રાજેશ સાકરીયા નામના શખ્સે હુમલો કરતા તેમને ઇજા પહોંચી છે. હુમલો કરનારા રાજેશને તત્કાળ પકડી લેવાયો છે. આ ઘટના બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગોપાલ ઇટાલીયા સાથેનો આ ફોટો હરીશ ખુરાનાના એક્સ એકાઉન્ટ પરથી લેવાયો છે જે કેટલો સાચો છે કે ખોટો તે તપાસ એજન્સી નક્કી કરશે 


જેનો શક હતો તે જ થયું

ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે એકસ પર પોસ્ટ કરીને કહ્યું છે કે જેનો શક હતો તે જ થયું છે. હુમલાખોરની તસવીર અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાઇલ ઇટાલીયાની સાથે ઘણું બધુ કહી રહી છે.

 કનેક્શન આમ આદમી પાર્ટી સાથે

તેમણે કહ્યું છે કે સીએમ રેખા ગુપ્તા પર આજે હુમલો થયો છે તેનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું હોવાનું સાફ દેખાઇ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં રેખા ગુપ્તા પર હુમલો કરનારા રાજેશ સાકરીયાની તસવીર શેર કરી જેમાં જોવા મળે છે કે રાજેશ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળે છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

હરીશ ખુરાનાએ આ તસવીર પોસ્ટ કરીને સવાલ કર્યો છે કે કેજરીવાલજી પ્લીઝ સમજાવો કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ


આ ફોટો એઆઇ જનરેટેડ-આપનો દાવો

જો કે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ ફોટો એઆઇ જનરેટેડ છે. સાથે લીંક શેર કરીને ગોપાલ ઇટાલીયાનો મુળ વિડીયો બતાવ્યો છે. આપ સુત્રોએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા 2 ઓગષ્ટે સમિતીની બેઠકમાં હાજર થઇને મીડિયાને સંબોધન કરી રહ્યા હતા ત્યારનું ફેસબુક લાઇવ પોસ્ટ છે.

આ એક કાયર પ્રયાસ

દરમિયાન હુમલા પછી રેખા ગુપ્તાનું પહેલીવાર નિવેદન આવ્યું છે અને કહ્યું કે આ હુમલો મારા પર નહી પણ દિલ્હીની સેવા અને જનતાની ભલાઇ કરવાના અમારા સંકલ્પ પર કરાયો છે. આ એક કાયર પ્રયાસ છે. સ્વાભાવિક છે કે હુમલા બાદ હું ટેંશનમાં હતી પણ હવે સારું લાગી રહ્યું છે. હું શુભચિંતકોને કહેવા માગુ છું કે પ્લીઝ મને મળવા માટે પરેશાન ના છતાં હું જલ્દી તમારી સમક્ષ આવીશ. 

દિલ્હીના એક નેતાએ નિમ્ન કક્ષાની હરકત કરી છે

જો કે આ મામલે ગોપાલ ઇટાલિયાએ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે જ્યારથી હું ધારાસભ્ય બનીને જીતી આવ્યો છું ત્યારથી ભાજપ મારાથી નારાજ થઇ ગયું છે. ગુજરાતમાં 40 વર્ષથી ભાજપ સરકાર છે છતાં એક યુવાન ધારાસભ્ય કેવી રીતે બન્યો તે તેમને હજમ થતું નથી. મારી જીતથી તેઓ નારાજ થઇ અરવિંદ કેજરીવાલ તથા મને અને મારા પક્ષને બદનામ કરવાની લગાતાર કોશિશ કરે છે. અમને જનતા જીતાડે છે તે ભાજપથી સહન થતું નથી. આજે દિલ્હીના એક નેતાએ નિમ્ન કક્ષાની હરકત કરી છે તે વખોડવા લાયક છે. મારા વીડિયોને એડિટ કરીને બીજાનો ફોટો લગાવાયો છે. સ્વ.મદનલાલ ખુરાના આજે જોતા હશે કે તેમનો પુત્ર ટ્રોલર બની ગયો છે તો તે શું ખુશ હશે. આવા ફેક ન્યુઝ થી બચો. આવા ટ્રોલરના ટ્વીટને વેરીફાઇ કરો. મારી અપીલ છે કે ભાજપના ટ્રોલરે ખોટુ ટ્વીટ કરેલું છે. આવા ટ્રોલરથી પિતાના નામને ખરાબ કરનારા પુત્રથી શું આશા રાખી શકાય 

  • Follow us on: