રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ અને આર્થિક વ્યવહારો પર સવાલ ઉઠાવતા કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના પત્રને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. મોહન ભાગવતે આ માંગણીને માત્ર એક 'રાજકીય પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને તેના પર કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે સંઘ હંમેશાં પારદર્શક રીતે કામ કરે છે અને આવા રાજકીય હુમલાઓ આરએસએસ માટે નવા નથી.
આવા વિવાદોથી અમે ટેવાયેલા છીએ
કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના ખુલ્લા પત્ર અંગે વાત કરતા સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સંગઠનની સ્થાપનાના પ્રારંભિક દાયકાઓથી જ આવા આક્ષેપો અને વિવાદો સામે આવતા રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આ કેવળ રાજકારણ પ્રેરિત યુક્તિઓ છે અને સંઘ આવા હુમલાઓથી ટેવાઈ ચૂક્યો છે. જો ક્યારેક આવા વિવાદો ન થાય, તો અમને લાગે છે કે કંઈક ખૂટે છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં ભ્રમ અને શંકા પેદા કરવાના હેતુથી આવા નિવેદનો કરવામાં આવે છે, પરંતુ જનતા સંઘના કાર્યોથી સારી રીતે વાકેફ હોવાથી હવે આવા પ્રયાસો સફળ થઈ શકે તેમ નથી. આરએસએસની પ્રવૃત્તિઓ ક્યારેય ગુપ્ત હોતી નથી. સ્વયંસેવકો સમાજની વચ્ચે રહે છે અને દેશભરમાં સંઘની શાખાઓ ખુલ્લા મેદાનોમાં જ યોજાય છે.
હિન્દુ ધર્મ પણ ક્યાંય રજિસ્ટર્ડ નથી
સંઘની કાનૂની નોંધણી (Registration) અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતા મોહન ભાગવતે તર્ક આપ્યો કે દેશમાં એવી ઘણી પવિત્ર અને મહત્વપૂર્ણ બાબતો છે જે સત્તાવાર રીતે નોંધાયેલી નથી, જેમાં 'હિન્દુ ધર્મ' પોતે પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:
- સરકારી ગ્રાન્ટ કે આર્થિક મદદ લેવા ઈચ્છતી સંસ્થાઓ માટે નોંધણી કરાવવી જરૂરી હોય છે, જે યોગ્ય પણ છે.
- આરએસએસ ક્યારેય કોઈ સરકારી ફંડ લેતું નથી.
- સરકાર સંઘના અસ્તિત્વ અને તેની પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે પરિચિત છે.
મોહન ભાગવતે યાદ અપાવ્યું કે બ્રિટિશ કાળથી કાર્યરત આ સંગઠન પર ભૂતકાળમાં બે વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બાદમાં કાનૂની પ્રક્રિયા અને સત્યાગ્રહના માધ્યમથી હટાવી લેવાયો હતો. પ્રતિબંધ મૂકવો એ જ સાબિત કરે છે કે સરકાર સંઘના અસ્તિત્વથી અજાણ નહોતી. વધુમાં, 1950ના દાયકામાં જ સંઘે પોતાનું લેખિત બંધારણ સરકારને સોંપ્યું હતું અને વિતેલા 100 વર્ષમાં ક્યારેય અલગ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ નથી.
પ્રિયાંક ખડગેએ પત્રમાં શું માંગ કરી હતી?
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના આઈટી-બીટી અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ખુલ્લો પત્ર શેર કરીને આરએસએસની આર્થિક ઓડિટ અને કાનૂની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.
ખડગેની મુખ્ય દલીલો શું હતી ?
પારદર્શિતાની માંગ: જો આરએસએસ દેશનું આટલું મોટું સંગઠન છે, તો તેણે સામાન્ય નાગરિકો, ટ્રસ્ટો અને એનજીઓની જેમ જ બંધારણીય માપદંડો, ઓડિટ અને નાણાકીય પારદર્શિતાનું પાલન કરવું જોઈએ.
આવક-ખર્ચની વિગતો: સંઘે તેની કુલ સંપત્તિ, ભંડોળના સ્ત્રોતો અને ટેક્સ સ્ટેટસની વિગતો જાહેર કરવી જોઈએ.
વિશાળ નેટવર્કનો હવાલો: ખડગેએ સંઘના વર્ષ 2025-26 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, એકલા કર્ણાટકમાં જ આરએસએસ 4127 દૈનિક શાખાઓ અને 1389 સાપ્તાહિક મિલન (મેળાવડા) ચલાવે છે. આટલો વ્યાપક સામાજિક પ્રભાવ ધરાવતી સંસ્થાએ તેના પદાધિકારીઓ અને આર્થિક સ્ત્રોતોની વિગતો સાર્વજનિક કરવી જ જોઈએ.