આ મંદિરોમાં ભક્તો પોતાના મનના ભાવને શાંત કરે છે. અને પ્રશ્નોના નિરાકરણ મેળવે છે. પરંતુ અહીંના કેટલાય મંદિરોએ પોતાના વિવાદના કારણે ચર્ચામાં રહે છે. 

કાનૂની અને સામાજિક વિવાદો

ભારતમાં મંદિરો સાથે જોડાયેલો વિવાદ સદીઓ જુનો છે. ક્યારેક વિવિધ ઐતિહાસિક સ્ત્રોતો, તો કોર્ટના દસ્તાવેજો અથવા પુરાતત્વીય અહેવાલોના આધારે વિવાદનો વાવાઝોડું આવતુ જ હોય છે. રામ મંદિર સિવાય પણ દેશમાં એવા કેટલાય પ્રમુખ અને ઐતિહાસિક મંદિરો છે. જે પોતાના અસ્તિત્વ, માલિકી હક માટે કાનૂની અને સામાજિક વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.

1. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (વારાણસી, ઉત્તર પ્રદેશ)

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: 

હિન્દુ પક્ષ અને ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર, આ સ્થળે ભગવાન શિવનું પ્રાચીન અને મૂળ જ્યોતિર્લિંગ સ્થાપિત હતું. ઇતિહાસકારોના મતે, 1194માં કુતબુદ્દીન ઐબક અને ત્યાર પછી પણ કેટલાય શાસકો દ્વારા આ મંદિર પર આક્રમણો થયા હતા. અંતે, સન 1669માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે એક શાહી ફરમાન દ્વારા મૂળ મંદિરને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો અને તેના અવશેષો પર 'જ્ઞાનવાપી મસ્જિદ'નું નિર્માણ કરાવ્યુ હતુ. 

વિવાદનું મુખ્ય કારણ:

મસ્જિદની પશ્ચિમી દિવાલ આજે પણ સંપૂર્ણપણે પ્રાચીન હિન્દુ મંદિરના સ્થાપત્ય અને કલાત્મક અવશેષો જેવી દેખાય છે. મસ્જિદની અંદર વિશાળ 'નંદી'ની મૂર્તિ છે. જેનું મુખ મસ્જિદ તરફ છે.

કાયદાકીય વિવાદ: 

1991માં સ્થાનિક પૂજારીઓએ પ્રથમવાર કોર્ટમાં અરજી કરી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને વૈજ્ઞાનિક સર્વેના અહેવાલમાં અહીં વિશાળ હિન્દુ મંદિર હોવાના અને સ્તંભો પર દેવી-દેવતાઓની આકૃતિઓ હોવાના પુરાવા મળ્યા છે. 


2. કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ (મથુરા, ઉત્તર પ્રદેશ)

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: 

આ તે જ સ્થળ છે જ્યાં રાજા કંસની જેલ હતી અને ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. અહીં 1618માં ઓરછાના રાજા વીરસિંહ દેવ બુંદેલાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ફ્રેન્ચ પ્રવાસી જીન બેપ્ટિસ્ટ ટેવર્નિયરે પણ પોતાના પ્રવાસ વર્ણનમાં આ ભવ્ય મંદિરનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કાશીની જેમ જ, 1670માં ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડીને તેના એક ભાગ પર 'શાહી ઇદગાહ મસ્જિદ'નું નિર્માણ કરાવ્યું હતુ. 

વિવાદ અને સમજૂતી: 

બ્રિટિશ કાળમાં 13.37 એકરની આ જમીન હરાજીમાં રાજા પટનીમલ દ્વારા ખરીદવામાં આવી હતી. જે બાદમાં ઉદ્યોગપતિ જુગલકિશોર બિરલાએ ખરીદીને 'શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ'ને સોંપી દીધી હતી. 1968માં 'શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ' અને 'શાહી ઇદગાહ કમિટી' વચ્ચે સમજૂતી થઈ હતી. જેના હેઠળ મસ્જિદની જમીન ઇદગાહ કમિટી પાસે જ રહેવા દીધી હતી. 

વર્તમાન સ્થિતિ: 

હિન્દુ સંગઠનો અને અરજીકર્તાઓએ 1968ની આ સમજૂતીને ગેરકાયદે ગણાવી કોર્ટમાં પડકારી છે. તેમનો દાવો છે કે, આખી 13.37 એકર જમીન ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનની છે અને મસ્જિદની અંદર કમળની આકૃતિઓ તથા શેષનાગ જેવા હિન્દુ ધાર્મિક ચિહ્નો મોજૂદ છે. આ મામલો હાલ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે.


3. કુતુબ મિનાર પરિસર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ વિવાદ (દિલ્હી)

વિવાદનું કારણ: 

કુતુબ મિનાર પરિસરમાં આવેલી 'કુવ્વત-ઉલ-ઇસ્લામ' મસ્જિદના પ્રવેશદ્વાર પર જ શિલાલેખ છે. જેમાં સ્પષ્ટ લખાયું છે કે આ મસ્જિદ 27 હિન્દુ અને જૈન મંદિરોને તોડીને તેના કાટમાળમાંથી બનાવાઇ છે. મસ્જિદના સ્તંભો પર આજે પણ ભગવાન ગણેશ, વિષ્ણુ અને તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ સ્પષ્ટ જોઈ શકાય છે. માંગ કરાઇ છે કે, આ પરિસરમાં રહેલા હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર ફરીથી આપવામાં આવે અને તેને 'તક્ષશિલા ભગવાન વિષ્ણુ મંદિર' તરીકે ઓળખવામાં આવે.


4. ભોજશાળા અને કમાલ મૌલા મસ્જિદ વિવાદ (ધાર, મધ્ય પ્રદેશ)

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: 

આ સ્થાપત્યનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે 1034માં પ્રખ્યાત શિક્ષણ કેન્દ્ર અને વાગ્દેવીના મંદિર તરીકે કરાવ્યું હતું. પછીથી અલાઉદ્દીન ખીલજી અને અન્ય શાસકોના સમયમાં તેને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ થયો હતો. જે આજે 'કમાલ મૌલા મસ્જિદ' તરીકે ઓળખાય છે.

વર્તમાન વ્યવસ્થા અને વિવાદ: 

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની વ્યવસ્થા મુજબ, અહીં દર મંગળવારે હિન્દુઓ પૂજા કરે છે અને દર શુક્રવારે મુસ્લિમો નમાજ પઢે છે. હિન્દુ પક્ષ સમગ્ર ભોજશાળા પરિસરને હિન્દુ મંદિર જાહેર કરવાની અને લંડનના મ્યુઝિયમમાં રહેલી વાગ્દેવીની મૂળ મૂર્તિ પરત લાવવાની માંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ કોર્ટના આદેશથી અહીં પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

5. સબરીમાલા મંદિર વિવાદ (કેરળ) 

વિવાદની પૃષ્ઠભૂમિ: 

કેરળના પતનમથિટ્ટા જિલ્લામાં પશ્ચિમ ઘાટની પહાડીઓ પર આવેલું ભગવાન અયપ્પાનું આ મંદિર વિશ્વપ્રસિદ્ધ છે. ભગવાન અયપ્પા 'નૈષ્ઠિક બ્રહ્મચારી' સ્વરૂપે પૂજાય છે. આ પરંપરાના કારણે 10થી50 વર્ષની વયજૂથની મહિલાઓના પ્રવેશ પર સદીઓથી પ્રતિબંધ હતો.

કાયદાકીય લડાઈ:

2018માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં આ પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવી તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હતી. આ ચુકાદા બાદ કેરળમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ભક્તોનું માનવું છે કે કોર્ટે ધાર્મિક આસ્થા અને પરંપરાઓમાં દખલ ન કરવી જોઈએ. આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ પુનઃવિચારણા હેઠળ છે.


6. જગન્નાથ મંદિર રત્નભંડાર અને વ્યવસ્થાપન વિવાદ (પુરી, ઓડિશા)

વિવાદનું કારણ:

આ મંદિરનો મુખ્ય વિવાદ તેના 'રત્નભંડાર'ની ચાવીઓ ગુમાવવી અને તેની સુરક્ષાને લઈને હતો. રત્નભંડારમાં સદીઓ જૂના અઢળક સોના, ચાંદી અને હીરા-ઝવેરાતનો સંગ્રહ છે. જે રાજા-મહારાજાઓએ દાનમાં આપ્યો હતો. લાંબા સમય સુધી આ ભંડાર ખોલવામાં ન આવતા તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં અરજીઓ થઈ હતી. તે સિવાય ઓડિશા સરકાર દ્વારા મંદિરના વહીવટ પરના સરકારી નિયંત્રણને લઈને પણ અવારનવાર વિવાદો થતા રહે છે.

મુખ્ય તારણઃ- 

અયોધ્યા સિવાયના ભારતના મોટાભાગના મંદિર-મસ્જિદ વિવાદોમાં 1991નો 'ધાર્મિક સ્થળ અધિનિયમ' કેન્દ્ર સ્થાને છે. આ કાયદો કહે છે કે, 15 ઓગસ્ટ 1947ના રોજ જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપમાં હતું. તેને બદલી શકાશે નહીં. જો કે, હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કાયદાની બંધારણીય માન્યતાને પણ પડકારવામાં આવી છે. કારણ કે હિન્દુ પક્ષની દલીલ છે કે આ અધિનિયમ નાગરિકોના કોર્ટનો આશરો લેવાના મૂળભૂત અધિકારને મર્યાદિત કરે છે. 


ભારતના પ્રસિદ્ધ મંદિરો અને તેનો મહિમા

1. જગન્નાથ મંદિરઃ- 

ચાર ધામ યાત્રામાંનું એક પવિત્ર ધામ માનવામાં આવે છે.

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની પૂજા થાય છે.

વિશ્વવિખ્યાત રથયાત્રા લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે.

કળિંગ શૈલીના સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે.

વિશેષતાઃ- 

મંદિરનું રસોડું વિશ્વના સૌથી મોટા ધાર્મિક રસોડાઓમાંનું એક ગણાય છે.

મહાપ્રસાદને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

2. તિરુમલા વેંકટેશ્વર મંદિરઃ- 

ભગવાન વિષ્ણુના વેંકટેશ્વર સ્વરૂપને સમર્પિત

વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાતા ધાર્મિક સ્થળોમાંનું એક

વિશેષતાઃ-

ભક્તો દ્વારા વાળનું દાન કરવાની પરંપરા

મંદિરમાં મળતી આવક વિશ્વની સૌથી મોટી ધાર્મિક આવકોમાં ગણાય છે

3. સોમનાથ મંદિરઃ- 

12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

ભગવાન શિવનું અતિ પવિત્ર તીર્થસ્થાન.

વિશેષતાઃ- 

અરબી સમુદ્રના કિનારે ભવ્ય સ્થાન.

સાંજની આરતી અને લાઇટ-એન્ડ-સાઉન્ડ શો પ્રસિદ્ધ છે.

4. કેદારનાથ મંદિરઃ- 

12 જ્યોતિર્લિંગોમાંનું એક.

હિમાલયની ગોદમાં આવેલું અત્યંત પવિત્ર શૈવ તીર્થ.

પાંડવો અને ભગવાન શિવ સાથે જોડાયેલી કથાઓ માટે પ્રસિદ્ધ.

વિશેષતાઃ- 

ચારધામ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ.

કુદરતી આફતો પછી પણ અડગ ઉભેલું મંદિર શ્રદ્ધાનું પ્રતીક છે.

5. મીનાક્ષી અમ્મન મંદિરઃ- 

દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરને સમર્પિત.

દક્ષિણ ભારતીય દ્રવિડ સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંનું એક.

વિશેષતાઃ- 

મંદિર પરિસરમાં હજારો સ્તંભોનો ભવ્ય મંડપ.

તમિલ સંસ્કૃતિનું જીવંત પ્રતીક.

6. દ્વારકાધીશ મંદિરઃ- 

ચાર ધામમાંનું પશ્ચિમ ધામ.

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા સાથે જોડાયેલું.

વિશેષતાઃ- 

ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પાસે આવેલું.

વિશાળ ધ્વજ અને શિખર તેની ઓળખ છે.

7. કામાખ્યા મંદિરઃ- 

51 શક્તિપીઠોમાંનું એક.

સ્ત્રી શક્તિ અને સર્જનશક્તિના પ્રતિકરૂપે પૂજાય છે.

તંત્ર સાધનાના મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગણાય છે.

વિશેષતાઃ- 

અંબુબાચી મેળો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

8. બૃહદીશ્વર મંદિરઃ- 

11મી સદીમાં ચોળ રાજા રાજરાજા પ્રથમ દ્વારા નિર્મિત.

UNESCO વિશ્વ ધરોહર સ્થળ.

દ્રવિડ સ્થાપત્યની સર્વોત્તમ કૃતિઓમાંનું એક.

વિશેષતાઃ- 

વિશાળ ગ્રેનાઇટ શિખર અને અદભુત શિલ્પકલા.

ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના સંગ્રહાલય સમાન છે.

રામ મંદિર જેટલું જ મહત્ત્વ ભારતના અન્ય અનેક મંદિરોને પણ છે. સોમનાથની અડગતા, જગન્નાથની રથયાત્રા, કેદારનાથની આધ્યાત્મિકતા, મીનાક્ષી મંદિરની કલા અને તિરુપતિની ભક્તિ આ બધા મળીને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ બનાવે છે.

આ પણ વાંચોઃ સેનેટરી પેડ્સ અને ગર્ભનિરોધક ગોળીઓ થઇ ટેક્સ ફ્રી, જાણો શુ છે 'પિંક ટેક્સ'?

  • Follow us on: