આ ત્રણેય કિસ્સાઓમાં મહિલાઓએ પોતાની નવી જિંદગી કે પ્રેમ સંબંધને આગળ વધારવા માટે પોતાના જ લાઈફ પાર્ટનરની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 

સરળ છે પ્રેમમાં ખૂની બનવુ ? 

હાલ પુણેની સીયાએ ફરી ઇન્દોરની સોનમ રઘુવંશી અને મેરઠની મુસ્કાનના કેસની યાદો ફરી તાજી કરી છે. ફરી એકવાર સંબંધોનું ખૂન થયુ છે. અને ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે, શું નવા જીવનની શરૂઆત કરવા માટે અન્યનો જીવ લેવો સરળ છે?, શું લગ્નના સંબંધોમાંથી નિકળવાનું અઘરુ અને પોતાના જ પાર્ટનરનું કાસળ કાઢવુ સરળ છે?. આ માનસિકતા કેમ લોકો રાખી રહ્યા છે. શુ આના માટે પરિવારિક વાતાવરણ, શાખ, પ્રતિષ્ઠા જવાબદાર છે?. 

સંબંધોનો લોહિયાળ અંત 

પુણેની 20 વર્ષીય સીયાએ પુણેના જ 25 વર્ષના કેતન સાથે સગાઇ કરી હતી. અને આ જ વર્ષે નવેમ્બરમાં તેઓ લગ્ન કરવાના હતા. બન્ને પરિવાર પુણે શહેરના પ્રતિષ્ઠિત પરિવારમાં પોતાનું સ્થાન ધરાવે છે. સીયા અને કેતન બન્નેનું સારુ શિક્ષણ, ઉચ્ચ જીવનશૈલી છતા કોઇને મારી નાંખવાની માનસિકતા કેમ સીયામાં આવી તે પ્રશ્ન છે. સીયાના 22 વર્ષના પુરુષ મિત્ર ચેતન સાથે મળીને તેણે કેતનો જીવ લીધો છે. આ ઘટનાએ સંબંધો પર શંકા ઉપજાવી છે.   

પુણેનો સીયા કેસ અને ઇન્દોરનો સોનમ કેસ આ બન્નેમાં ઘણા પાસા એક સરખા છે.  


1. સોનમ રઘુવંશી કેસ 

આ ઘટના મે 2025 દરમિયાન સામે આવી હતી. જેણે લગ્નજીવન અને વિશ્વાસના સંબંધો પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

ઘટનાની પૃષ્ઠભૂમિ: ઇન્દોરના 29 વર્ષીય વેપારી રાજા રઘુવંશીના લગ્ન 25 વર્ષીય સોનમ રઘુવંશી સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ મે મહિનામાં મેઘાલય ખાતે હનીમૂન માટે ગયા હતા.

હત્યાનો પ્લાન: ચેરાપુંજી નજીક ટ્રેકિંગ દરમિયાન રાજા અચાનક ગુમ થઈ ગયા હતા. શરૂઆતમાં આ એક સામાન્ય ગુમ થવાનો કેસ લાગતો હતો. પરંતુ જૂન 2025ની શરૂઆતમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડ્રોન સર્ચ દરમિયાન રાજાનો અત્યંત સડી ગયેલો મૃતદેહ એક ઉંડી ખીણમાંથી મળી આવ્યો હતો.

ખુલાસો અને ધરપકડ: પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ એક વ્યવસ્થિત કાવતરું હતું. સોનમ તેના કથિત બોયફ્રેન્ડ રાજ સાથે સંબંધમાં હતી અને તેણે પતિને રસ્તામાંથી હટાવવા માટે કોન્ટ્રાક્ટ કિલર્સની મદદથી આ હત્યા કરાવી હતી. સોનમની આ ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી.


2. મુસ્કાન બ્લુ ડ્રમ કેસ 

ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી આ ઘટના ક્રૂરતાની બધી હદો પાર કરનારી હતી.

ઘટનાની પૃષ્ઠભૂમિ: લંડનમાં રહેતા સૌરભ રાજપૂતના લગ્ન મુસ્કાન રાસ્તોગી સાથે થયા હતા. સૌરભ જ્યારે ભારત આવ્યો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી.

ક્રૂરતાપૂર્ણ હત્યા: મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ મળીને સૌરભની હત્યા કરી હતી. એટલું જ નહીં. પુરાવાનો નાશ કરવા માટે તેમણે સૌરભના શરીરના ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકના એક વાદળી રંગના ડ્રમમાં ભરીને તેમાં સિમેન્ટ મિક્સ કરીને છુપાવવાનો પ્રયાસ કર્યો.

મુખ્ય કારણો: તપાસ દરમિયાન સામે આવ્યું કે સૌરભ મુસ્કાનને છૂટાછેડા આપવા તૈયાર નહોતો. જેના કારણે મુસ્કાન અને સાહિલ પોતાના સંબંધો આગળ વધારી શકતા નહોતા. આ ઉપરાંત પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ મુસ્કાનને ડ્રગ્સની લત હતી અને તેને ડર હતો કે સૌરભ તેને આ લત પૂરી કરવા નહીં દે. બંને આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે.


3. સીયા ગોયલ કેસ 

મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટના શરૂઆતમાં માત્ર એક અકસ્માત તરીકે દર્શાવવામાં આવી હતી.

ઘટનાની પૃષ્ઠભૂમિ: પુણેના એક પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બિઝનેસમેનના 25 વર્ષીય પુત્ર કેતન અગ્રવાલની સગાઈ 20 વર્ષીય સીયા ગોયલ સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ ઉદયપુરમાં તેમના ભવ્ય લગ્ન થવાના હતા.

કાવતરું: જૂન મહિનામાં સીયાના જન્મદિવસ નિમિત્તે બંને લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા. ત્યાંથી કેતન 400 ફૂટ ઉંડી ખીણમાં પડતા તેનું મોત થયું હતું. સીયાએ પોલીસને જણાવ્યું કે ફોટોગ્રાફ્સ લેતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો.

પોલીસ તપાસ અને સત્ય: કેતનના પરિવારને શંકા જતા પોલીસે સીયાના ફોન રેકોર્ડ્સ અને લોકેશન તપાસ્યા. જેમાં બહાર આવ્યું કે સીયા અન્ય એક યુવક ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી અને તે કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી. કેતનને રસ્તામાંથી હટાવવા માટે સીયા અને ચેતને અગાઉ પણ 3 વાર અસફળ પ્રયાસો કર્યા હતા. જેમાં એકવાર સાપ કરડાવવાનો કે ધક્કો મારવાનો પ્રયાસ સામેલ હતો. આખરે કિલ્લા પરથી ધક્કો મારીને તેની હત્યા કરવામાં આવી હતી.

મહિલાઓ પોતાના લાઇફ પાર્ટનરની હત્યા કેમ કરી રહી છે?  


1. લગ્નેતર સંબંધો અને પ્રેમ ત્રિકોણ 

ઉપરના ત્રણેય કિસ્સાઓમાં જોવા મળ્યું તેમ, જ્યારે કોઈ સ્ત્રી લગ્ન પછી અથવા સગાઈ પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં હોય અને પોતાના પાર્ટનરને પોતાના પ્રેમ જીવનમાં અવરોધ સમાન ગણે છે. ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતી મહિલાઓ આવા પગલાં ભરે છે.


2. લાંબાગાળાનું ઘરેલું શોષણ અને સ્વ-બચાવ 

ઘણા કિસ્સાઓમાં જો કોઈ મહિલા સતત શારીરિક, માનસિક કે જાતીય સિતમનો ભોગ બની રહી હોય અને કાયદાકીય કે સામાજિક મદદ મેળવવામાં અસમર્થ રહે, ત્યારે આ ભયાનક પરિસ્થિતિમાંથી કાયમી છુટકારો મેળવવા અથવા ગુસ્સાના અતિરેકમાં તે પાર્ટનર પર જીવલેણ હુમલો કરી બેસે છે.


3. આર્થિક લાભ અને મિલકતનો વિવાદ 

પતિની મિલકત, વીમાની રકમ અથવા વ્યવસાય પર પોતાનો હક જમાવવા માટે પણ કેટલીક મહિલાઓ ક્રિમિનલ માઇન્ડસેટ સાથે હત્યાનું કાવતરું ઘડે છે.


4. પરાણે કરાવેલા લગ્ન અને સામાજિક દબાણ

ભારતીય સમાજમાં હજુ પણ ઘણા સ્થળોએ યુવતીઓની મરજી વિરુદ્ધ પારિવારિક દબાણ હેઠળ લગ્ન કરાવી દેવામાં આવે છે. છૂટાછેડા લેવાની સામાજિક સ્વીકૃતિ ન હોવાને કારણે અથવા પરિવારના ડરથી, કેટલીક યુવતીઓ આખી જિંદગીના બંધનમાંથી મુક્ત થવા માટે હિંસક માર્ગ અપનાવે છે.

આવી ક્રૂર માનસિકતા કેમ ઉદ્ભવે છે? 


જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાયદેસરના સાથીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કરે છે, ત્યારે તેની પાછળ તીવ્ર માનસિક વિકૃતિઓ કામ કરતી હોય છે. 

અત્યંત સ્વાર્થીપણું અને સહાનુભૂતિનો અભાવ: આવા ગુનેગારોમાં 'નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર'ના લક્ષણો જોવા મળે છે. તેઓ માત્ર પોતાના સુખ અને ઈચ્છાઓને મહત્વ આપે છે. સામેની વ્યક્તિ પણ એક જીવ છે અને તેનો પરિવાર છે, તે વિચારવાની સંવેદનશીલતા તેઓ ગુમાવી બેસે છે.

તાત્કાલિક સુખની ઘેલછા: આજના સમયમાં ધીરજનો અભાવ અને જે જોઈએ તે 'અત્યારે જ અને કોઈપણ ભોગે' મેળવવાની માનસિકતા વધી રહી છે. કાયદાકીય રીતે છૂટાછેડા લેવાની પ્રક્રિયા લાંબી અને સમય માંગી લે તેવી હોય છે, તેથી ટૂંકો રસ્તો અપનાવીને પાર્ટનરને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડાય છે.

નૈતિક પતન અને ડિજિટલ પ્રભાવ: ક્રાઈમ સીરિઝ, ઓટીટી પ્લેટફોર્મ્સ પર દર્શાવવામાં આવતી ગુનાહિત વાર્તાઓ અને સોશિયલ મીડિયાના અતિરેકના કારણે યુવા માનસમાં ગુના પ્રત્યેનો ડર ઓછો થઈ રહ્યો છે. ગુનો કરીને કેવી રીતે બચી શકાય, તેના ખોટા આત્મવિશ્વાસમાં આવીને લોકો આવા આત્યંતિક પગલાં ભરે છે.

પરિવારની પૃષ્ઠભૂમિ અને વાતાવરણ કેટલું જવાબદાર? 

કોઈપણ વ્યક્તિની માનસિકતા રાતોરાત ક્રિમિનલ નથી બનતી. તેમાં તેના ઉછેર અને આસપાસના વાતાવરણનો બહુ મોટો હાથ હોય છે. 

બાળપણના સંસ્કાર અને ઉછેર: જો કોઈ બાળકે ઘરમાં સતત જૂઠ બોલવું, છેતરપિંડી કરવી, કે હિંસક વાતાવરણ જોયું હોય, તો તેના અચેતન મનમાં એ વાત ઘર કરી જાય છે કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ખોટો રસ્તો અપનાવવો સામાન્ય બાબત છે.

જવાબદારીઓ પ્રત્યે બેદરકારી: ઘણીવાર અતિશય લાડ-કોડમાં ઉછરેલા બાળકોને ક્યારેય 'ના' સાંભળવાની આદત હોતી નથી. જ્યારે લગ્નજીવનમાં એડજસ્ટમેન્ટ અને જવાબદારીઓ સામે આવે છે. ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી અને તેમાંથી ભાગવા માટે ગુનાનો આશરો લે છે.

નૈતિક મૂલ્યોની કમી: આજના આધુનિક વાતાવરણમાં ભૌતિક સુખ-સુવિધાઓ મેળવવા પર વધુ ભાર મૂકવામાં આવે છે. જ્યારે સંતોષ, પ્રમાણિકતા અને વફાદારી જેવા નૈતિક મૂલ્યો ગૌણ બની જાય છે.


બીજી વ્યક્તિ સાથે જીવન શરૂ કરવા માટે હત્યા જ કેમ?

છૂટાછેડાનો વિકલ્પ હોવા છતાં પણ હત્યા કેમ કરવામાં આવે છે? તેની પાછળ આ કારણો મુખ્ય 

સામાજિક બદનામીનો ડર: આપણા સમાજમાં હજુ પણ છૂટાછેડાને એક કલંક તરીકે જોવામાં આવે છે. પ્રેમ સંબંધની વાત બહાર આવશે તો પરિવાર અને સમાજમાં થનારી થૂ-થૂ થી બચવા માટે, ગુનેગારો એવી ભ્રમણામાં જીવે છે કે જો પાર્ટનર અકસ્માતે કે રહસ્યમય રીતે મૃત્યુ પામશે તો તેઓ 'પીડિત' ગણાશે અને સમાજ તેમની તરફ સહાનુભૂતિ રાખશે.

નાણાકીય અને મિલકતના લાભો: છૂટાછેડા લેવાથી મિલકતના ભાગલા પડે છે, ભરણપોષણ આપવું પડે છે અને આર્થિક નુકસાન થાય છે. જ્યારે પાર્ટનરના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ અને વીમાની રકમ પર સીધો અધિકાર મળી જાય છે. આ આર્થિક લાલચ પણ હત્યા પાછળનું મોટું બળ છે.

પાર્ટનરનો વિરોધ: ઘણા કિસ્સાઓમાં જ્યારે બીજો સાથી છૂટાછેડા આપવા માટે સાફ ના પાડી દે છે. ત્યારે ગુનેગાર વ્યક્તિ પોતાની નવી લાઈફ શરૂ ન કરી શકવાના આક્રોશમાં અને પૂર્વગ્રહમાં આવીને સાથીનો જીવ લેવાનું કાવતરું ઘડે છે.

વફાદારી, ધૈર્ય અને સમાજદારી જરુરી 

સોનમ, મુસ્કાન અને સીયા જેવા કિસ્સાઓ દર્શાવે છે કે જ્યારે સંબંધોમાં વફાદારી, ધૈર્ય અને સામાજિક મર્યાદાઓનો અંત આવે છે. ત્યારે માણસ હિંસક બની જાય છે. આના નિવારણ માટે માત્ર કાયદો પૂરતો નથી. પરિવારોએ બાળકોને ભણતરની સાથે 'નૈતિક સંસ્કારો' આપવા, સંબંધોની ગરિમા સમજાવવી અને સામાજિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગને પ્રોત્સાહન આપવું અત્યંત અનિવાર્ય બન્યું છે. 

આ પણ વાંચોઃ 

  • Follow us on: