બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે પીએમ અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યુ છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વ અંગે પાર્ટીમાં પ્રશ્નો ઉભા કરાઇ રહ્યા છે.
પક્ષનો સાંભળ્યો અવાજ અને આપ્યુ રાજીનામું
કીર સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના પક્ષમાં શંકા હતી કે, તેઓ શું આગામી ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરશે. સંસદીય પક્ષને તેમના નેતૃત્વ અંગે શંકા હતી. લોકોને લાગ્યું કે તેઓ સફળ નહીં થાય. મેં તે અવાજો સાંભળ્યા. તેથી, મેં રાજીનામું આપ્યું છે. સ્ટાર્મરે વધુમાં કહ્યું કે તેમણે યહૂદી વિરોધીતાને જડમૂળથી ઉખેડી નાખી છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રને પ્રાથમિકતા આપી હતી. જ્યારે તેમને બે વર્ષ પહેલાં વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.
Also Read
Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?
Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી
Sandesh Explainer: જાણો કેમ ગુજરાતમાં વન્યજીવ અને માનવ વચ્ચે સંઘર્ષના કિસ્સા વધ્યા, સિંહ કરતાં દીપડા વધુ ખતરનાક સાબિત થયાં?
બ્રિટનના રાજકારણમાં ઉથલપાથલ
બ્રિટનના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી ઉથલપાથલ દેખાઇ રહી છે. જૂન 2026માં પીએમ કીર સ્ટાર્મરના રાજીનામાની જાહેરાત સાથે જ બ્રિટન છેલ્લા 10 વર્ષમાં તેના 7મા વડાપ્રધાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. કીર સ્ટાર્મરના રાજીનામા પાછળના વિવાદો અને છેલ્લા 10 વર્ષમાં રાજીનામું આપનારા 6 પીએમ ફરી ચર્ચાનો વિષય બન્યા છે.
1. કીર સ્ટાર્મરનું રાજીનામું: જૂન 2026
લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે જુલાઈ 2024માં પ્રચંડ બહુમતી સાથે સત્તા પદ આવ્યા હતા. પરંતુ બે વર્ષથી પણ ઓછા સમયમાં તેઓએ પાર્ટીનું હિત જોતા અને તેમના નિર્ણયનો સ્વીકાર કરતા રાજીનામું આપ્યુ છે. પરંતુ આ વિવાદ સર્જાયો કેવી રીતે?, તેના પર એક નજર કરીએ.

વિવાદો સાથે સંબંધ
1. મે 2026ની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ પક્ષની અંદર જ તેમની સામે અસંતોષ વધ્યો હતો. મેન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામ સંસદ સભ્ય તરીકે ચૂંટાતા સ્ટાર્મરની લીડરશિપ સામે સીધો પડકાર ઊભો થયો હતો.
2. અમેરિકાના કુખ્યાત જેફ્રી એપસ્ટીન કૌભાંડ સાથે જોડાયેલા પીટર મેન્ડેલસનને યુએસમાં બ્રિટિશ એમ્બેસેડર બનાવવાના નિર્ણયથી તેમની ભારે ટીકા થઈ હતી.
3. યુક્રેન અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે બ્રિટિશ અર્થતંત્ર નબળું પડ્યું અને સંરક્ષણ બજેટના મુદ્દે તેમના પોતાના જ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા.
છેલ્લા 10 વર્ષમાં રાજીનામું આપનારા અન્ય પાંચ પીએમ અને તેમના વિવાદ
બ્રિટનના તાજેતરના ઇતિહાસમાં પીએની અવધિ ખૂબ ટૂંકી રહી છે. કીર સ્ટાર્મર પહેલાં, કન્ઝર્વેટિવ ટોરી પાર્ટીના પાંચ પીએમે વિવિધ કારણોના લીધે પોતાની સત્તાની કમાન છોડી હતી.
2. ઋષિ સુનક 2024
બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક હાર બાદ રાજીનામું આપ્યું હતું.

વિવાદ અને કારણ: બ્રિટનમાં સતત વધતી મોંઘવારી, નેશનલ હેલ્થ સર્વિસની કથળતી સ્થિતિ અને પક્ષનો આંતરિક ડખો તેમની હાર અને રાજીનામાનું મુખ્ય કારણ બન્યા હતા.
3. લિઝ ટ્રસ 2022
લિઝ ટ્રસ બ્રિટનના ઇતિહાસમાં સૌથી ટૂંકા સમયના પીએમ તરીકે જોવા મળ્યા હતા. તેઓ માત્ર 45 દિવસ માટે જ દેશ ચલાવી શક્યા હતા.

વિવાદ અને કારણ: તેમણે સત્તા પર આવતાની સાથે જ એક 'મિની-બજેટ' રજૂ કર્યું હતું. જેમાં અમીરો માટે ટેક્સ કાપ અને ભારે દેવું કરીને આર્થિક સહાય આપવાની જાહેરાત હતી. આનાથી બ્રિટિશ પાઉન્ડના મૂલ્યમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજાર તૂટી પડ્યું હતુ. જેના કારણે તેમને તાત્કાલિક પદ છોડવું પડ્યું હતુ.
4. બોરિસ જોન્સન 2022
બોરિસ જોન્સને બ્રેક્ઝિટ પ્રક્રિયા પૂરી કરીને પક્ષને મોટી જીત અપાવી હતી. પરંતુ શ્રેણીબદ્ધ કૌભાંડોના કારણે તેઓને પદ છોડવવું પડ્યુ હતુ.

વિવાદ અને કારણ: 'પાર્ટીગેટ' વિવાદ સૌથી મોટો હતો. જેમાં કોવિડ-19 લોકડાઉનના કડક નિયમો લાગુ હોવા છતાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દારૂની પાર્ટીઓ યોજાઈ હતી. આ સિવાય પક્ષના ડેપ્યુટી ચીફ વ્હીપ ક્રિસ પિન્ચર પર લાગેલા યૌન શોષણના આરોપોની જાણકારી હોવા છતાં તેમને પદ આપવાના મુદ્દે જોન્સન ઘેરાયા હતા.
5. થેરેસા મે 2019
ડેવિડ કેમેરોન બાદ થેરેસા મેએ દેશની કમાન સંભાળી હતી અને તેમનો સંપૂર્ણ કાર્યકાળ બ્રેક્ઝિટની ગૂંચ ઉકેલવામાં જ કાઢ્યો હતો.

વિવાદ અને કારણ: યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા માટે તેમણે તૈયાર કરેલી 'બ્રેક્ઝિટ ડીલ' બ્રિટિશ સંસદમાં વારંવાર ફગાવી દેવામાં આવી હતી. પોતાના જ પક્ષના સાંસદોનો વિશ્વાસ ગુમાવી દેતાં તેમણે રડતી આંખે રાજીનામાની જાહેરાત કરવી પડી હતી.
6. ડેવિડ કેમેરોન 2016
છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં રાજકીય અસ્થિરતાની શરૂઆત ડેવિડ કેમેરોનના રાજીનામાથી થઈ હતી.

વિવાદ અને કારણ: કેમેરોન પોતે બ્રિટન યુરોપિયન યુનિયનમાં જ રહે તેવું માનતા હતા. પરંતુ દેશમાં વધતી માંગને કારણે તેમણે 2016માં બ્રેક્ઝિટ પર રેફરન્ડમ યોજવો પડ્યો. જનતાએ બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું હતુ. જેના કારણે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે પદ ત્યાગ કર્યો હતો.
રાજકારણ પર શું અસરો ?
નવી નેતાગીરી માટે આંતરિક રેસ : કીર સ્ટાર્મર સપ્ટેમ્બર સુધી પદ પર રહેશે. જેના કારણે લેબર પાર્ટીમાં નવા નેતા બનવા માટે સ્પર્ધા શરૂ થઈ છે. પૂર્વ મેયર એન્ડી બર્નહામ આ રેસમાં સૌથી આગળ હોવાનું દેખાઇ રહ્યુ છે.
પક્ષો વચ્ચે ખેંચતાણઃ લેબર પાર્ટીની અંદર જ અલગ-અલગ જૂથો સક્રિય થશે. બીજી તરફ, રાઈટ-વિંગ પક્ષો ફારાજની 'રિફોર્મ યુકે' આ અસ્થિરતાનો લાભ ઉઠાવી આગામી ચૂંટણી માટે પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રયાસ કરશે.
વિદેશ નીતિમાં અનિશ્ચિતતા: યુક્રેન સંકટ અને મધ્ય-પૂર્વની સ્થિતિ વચ્ચે બ્રિટનની વિદેશ નીતિમાં થોડા સમય માટે શિથિલતા આવી શકે છે. કારણ કે નવું નેતૃત્વ આવતા સુધી વૈશ્વિક નિર્ણયો પ્રભાવિત થઈ શકે છે.
અર્થતંત્ર પર શું અસરો ?
આર્થિક ક્ષેત્રે રાજકીય અસ્થિરતા હંમેશા રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગમગાવે છે.
બજાર અને પાઉન્ડ પર દબાણ: વારંવાર બદલાતા પીએમને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રિટિશ પાઉન્ડના મૂલ્યમાં અસ્થિરતા જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો બ્રિટનમાં મોટું રોકાણ કરતા અચકાશે.
નીતિવિષયક નિર્ણયોમાં વિલંબ: નવી સરકાર ન બને ત્યાં સુધી બજેટ, ટેક્સ સુધારા અને ઉર્જા નીતિ જેવા મહત્વના આર્થિક નિર્ણયો અટકી જશે.
મોંઘવારી અને જીવનનિર્વાહનું સંકટ: બ્રિટનની જનતા પહેલેથી જ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ'નો સામનો કરી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળી શકે છે.
બ્રિટનનું રાજકીય માળખું
અભૂતપૂર્વ અસ્થિરતા અને નેતૃત્વનું સંકટ બ્રિટનનું રાજકીય માળખું સંસદીય લોકશાહી પર આધારિત છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તે ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. ઝડપથી બદલાતા વડાપ્રધાનોના કારણે બ્રિટનના રાજકારણમાં સ્થિરતાનો મોટો અભાવ જોવા મળ્યો છે. જૂન 2026માં જ લેબર પાર્ટીના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પક્ષના આંતરિક બળવા અને સ્થાનિક ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ સાથે બ્રિટન છેલ્લા 10 વર્ષમાં તેના 7મા વડાપ્રધાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. આંતરિક પક્ષીય રાજકારણથી દેશમાં મુખ્યત્વે બે પક્ષોનું પ્રભુત્વ છે. એક છે કન્ઝર્વેટિવ પાર્ટી અને બીજી છે લેબર પાર્ટી. હાલમાં સત્તાધારી લેબર પાર્ટીની અંદર વડાપ્રધાન પદ માટે ખેંચતાણ ચાલી રહી છે, જેમાં ગ્રેટર મેન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામ રેસમાં મોખરે છે.
બ્રિટનનું અર્થતંત્ર સેવાઓ પર નિર્ભર
બ્રિટનનું અર્થતંત્ર મુખ્યત્વે સેવાઓ પર નિર્ભર છે. જે જીડીપીમાં 80% ફાળો આપે છે. લંડન વૈશ્વિક સ્તરે ફાઇનાન્સ, બેન્કિંગ અને ફિનટેકનું મોટું હબ છે. ઊર્જા સંકટ બ્રિટનમાં વીજળીના ભાવો ગેસ સાથે સીધા જોડાયેલા હોવાથી, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના ભાવ વધતાં જ બ્રિટિશ નાગરિકો પર 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ' વધી જાય છે. વર્તમાન સમયમાં બ્રિટન રાજકીય રીતે અસ્થિર અને આર્થિક રીતે નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વારંવાર બદલાતી સરકારોના કારણે નીતિઓમાં સાતત્ય રહેતું નથી, જે લાંબા ગાળાના વિદેશી રોકાણને પ્રભાવિત કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ રામ મંદિર સિવાય દેશના આ મંદિરો સાથે પણ જોડાયેલો છે વિવાદ










