ટ્રેન પકડવાની ઉતાવળમાં લોકો ઘણીવાર પોતાના જીવનું જોખમ ખેડતા હોય છે. આવો જ એક આંખે દેખ્યો અને કાળજું કંપાવી દેનારો કિસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ હાલ વાયરલ થઈ રહ્યો છે. ભુવનેશ્વરથી નવી દિલ્હી વચ્ચે ટાટા નગર થઈને ચાલતી તેજસ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે રાત્રિના સમયે બનેલી આ ભયાનક ઘટના શેર કરી છે, જે વાંચીને કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જાય છે.
મોડી રાત્રે 2 વાગ્યે સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા
રેડિટ યુઝર @Verbal_chai એ r/indianrailways પેજ પર આ આખી ઘટના વિગતવાર લખી છે. યુઝરના જણાવ્યા અનુસાર, ટ્રેન મોડી રાત્રે અંદાજે 2 કલાકની આસપાસ સ્ટેશન પરથી પ્રસ્થાન કરી હતી. ટ્રેન જેવી આગળ વધી કે, તેના ઓટોમેટિક દરવાજા બંધ થવા લાગ્યા હતા. બરાબર એ જ સમયે 3 છોકરાઓ દોડતા-દોડતા ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર આવ્યા હતા.
બાળક પાટા પર પડવા જ જતો હતો...
ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશમાં ત્રણેયમાંથી મોટો છોકરો પોતાનો સામાન અંદર ફેંકીને ટ્રેનમાં ઘૂસી ગયો, બીજો પણ જેમતેમ અંદર આવી ગયો હતો, પરંતુ ત્રીજો નાનો બાળક હજુ પણ પ્લેટફોર્મ પર દોડી રહ્યો હતો. ઓટોમેટિક દરવાજા બંધ થતા રોકવા માટે રેલવે સ્ટાફ અને મુસાફરો તેને ધક્કો મારીને રોકી રહ્યા હતા.
એક મુસાફરે બાળકની આંગળી પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ ક્ષણે બાળકનો પગ લપસ્યો અને તે સીધો ટ્રેનની નીચે પાટા પર પડવાની અણી પર જ હતો. સદનસીબે, ત્યાં હાજર રેલવે સ્ટાફે સમયસૂચકતા વાપરી બાળકને જોરથી ખેંચી લીધો અને તેનો જીવ બચાવી લીધો હતો. જીવ બચ્યા બાદ સ્ટાફે બાળકને જોખમી હરકત કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો.
જીવ બચ્યા પછી TTEએ પકડી 'ટિકિટની હેરાફેરી'
આ આખા હોબાળા બાદ આ ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો. ટ્રેનની અંદર આવેલા ત્રણેય જણા પોતાનું કોચ થર્ડ એસી હોવા છતાં, તેને ફર્સ્ટ એસી ગણાવીને દલીલો કરવા લાગ્યા હતા. તેને કારણે બીજા મુસાફરો પણ મૂંઝવણમાં મુકાયા અને કોચ બાબતે મામલો ગરમાયો હતો. થોડી જ વારમાં ત્યાં હાજર TT આવ્યા હતા. તેમણે સમગ્ર મામલાને ખૂબ જ શાંતિથી હેન્ડલ કર્યો હતો. તેમણે ટિકિટ ચેક કરીને તેમની ટિકિટનો ઝોલ પકડી લીધો હતો. ટીટીએ તેમને સમજાવ્યું કે, તેમનો સાચો કોચ B3 જ છે, અને તેમને યોગ્ય જગ્યાએ મોકલી આપ્યા હતા.
"બધા ઉતાવળમાં છે, પણ પડે મોડા!"
આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, ભારતમાં બધા જ ઉતાવળમાં હોય છે, છતાં દરેક વ્યક્તિ લેટ જ પહોંચે છે! જ્યારે અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે સ્ટેશનો પર મસમોટા એલસીડી ડિસ્પ્લે લાગેલા છે, તો લોકો ટ્રેન આવતા પહેલા પોતાનો કોચ કેમ નથી શોધી લેતા? પોસ્ટ લખનાર મુસાફરે છેલ્લે એક મહત્વની ચેતવણી આપતા લખ્યું કે, કોઈ પણ ટ્રેન તમારા જીવથી વધુ કિંમતી નથી હોતી. ટ્રેન છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ ક્યારેય ચાલુ ટ્રેન પકડવાનું જોખમ ન ખેડો!
હાલ આ સમગ્ર સંવેદનશીલ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આવો પહેલો કિસ્સો નથી, આવા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. આવામાં મુસાફરોએ સમજદારી દાખવી બીનજરૂરી જોખમ ન ખેડવું જોઈએ. લોકોએ હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે, દૂર્ઘટના સે દેર ભલી હૈ.
આ પણ વાંચો -