એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171 ક્રેશને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અટકળો વચ્ચે વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. ઈટાલીના એક અખબારમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ અકસ્માત જાણી જોઈને કરવામાં આવ્યો હોય શકે છે. આ દાવા બાદ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


પ્લેન ક્રેશની તપાસ હજૂ પૂર્ણ થઈ નથી: AAIB

આ અટકળો પર વિરામ મૂક્તા AAIBએ સ્પષ્ટ કર્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 સંબંધિત તપાસ હજુ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી. બ્યુરોએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર ભ્રામક અને પાયાવિહોણી છે. કોઈપણ વ્યક્તિ અથવા પક્ષને મજબૂત પુરાવા વગર દોષિત ઠેરવવું સંપૂર્ણપણે ગેરજવાબદાર અને અયોગ્ય છે.

અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ

AAIBએ સોશિયલ મીડિયા સંસ્થાઓ અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર નિવેદનો અને અંતિમ તપાસ અહેવાલની રાહ જુએ. તપાસ પ્રક્રિયા ટેકનિકલ અને વિગતવાર હોય છે, જેમાં વિવિધ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે છે. અધૂરી અથવા અપુષ્ટ માહિતીના આધારે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.

ત્યારે સરકારની તરફથી પણ જણાવાયું છે કે તપાસ એજન્સીઓ પારદર્શિતા અને વ્યાવસાયિક રીતે કાર્ય કરી રહી છે. અંતિમ અહેવાલ જાહેર થયા બાદ જ અકસ્માતના સાચા કારણો વિશે માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવાર હતા અને પ્લેન અમદાવાદથી લંડન જવા માટે રવાના થયું હતું. 

આ પણ વાંચો : Brazil President Visit India: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા 5 દિવસ ભારતના પ્રવાસે આવશે, બંને દેશ વચ્ચેના સંબંધો બનશે વધુ ગાઢ


  • Follow us on: