પશ્ચિમ બંગાળમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ અંગ ગણાતા આશરે 4,000 ઇવીએમ (EVM) બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, આગ જે પેટર્નથી બિલ્ડિંગની અલગ-અલગ મંજિલો પર ફેલાઈ છે, તેને જોતા આ દુર્ઘટના પાછળ કોઈ મોટી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસનની ફરિયાદના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર (FIR) નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


10 વિધાનસભા બેઠકો પર વપરાયા હતા આ EVM

પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી કૌશિક ચૌધરીએ આ ગંભીર ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક નવ માળની સરકારી ઇમારતમાં બુધવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં અન્ય વિભાગો ઉપરાંત દક્ષિણ ૨૪ પરગણા જિલ્લા પરિષદની કચેરી પણ આવેલી હતી, જ્યાં આ ઇવીએમ મશીનો રાખવામાં આવ્યા હતા. મંત્રીના જણાવ્યા અનુસાર, આગમાં નષ્ટ થયેલા આશરે ૪,૦૦૦ ઇવીએમ મશીનોનો ઉપયોગ રાજ્યમાં આ જ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૦ જુદા-જુદા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.

આગ લાગવાની પેટર્ન શંકાસ્પદ

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મંત્રી કૌશિક ચૌધરીએ મીડિયા સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા કે આ કોઈ સામાન્ય આગ નથી લાગતી. તેમણે કહ્યું, "અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આની પાછળ કોઈ સુનિયોજિત સાજિશ હતી? હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આગ સીધી નવમા અને દસમા માળ સુધી કેવી રીતે પહોંચી ગઈ. કારણ કે આગ સૌથી પહેલા બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી." તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને અસર કર્યા વિના આગ સીધી સાતમા, આઠમા અને નવમા માળ સુધી કેવી રીતે ફેલાઈ ગઈ? આ સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા માટે સરકાર હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

24 કલાકથી વધુ સમય સુધી સુલગતી રહી આગ

બુધવારે ફાટી નીકળેલી આ ભયાનક આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોને ૨૪ કલાકથી પણ વધુ સમય સુધી સતત મહેનત કરવી પડી હતી. ગુરુવારે સવાર સુધી બહારથી જ્વાળાઓ દેખાતી બંધ થઈ ગઈ હતી, પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમારતની અંદરના કેટલાક હિસ્સાઓમાં હજુ પણ આગ સુલગતી હતી, જેના કારણે લાંબા સમય સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવું પડ્યું હતું.

દુર્ઘટનાની ગંભીરતાને જોતા દક્ષિણ 24 પરગણા પ્રશાસનના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) દ્વારા અલીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ હાલમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ આર્થિક-ટેકનિકલ ખામીના એંગલથી પણ તપાસ કરી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે હાલમાં આખી ઇમારતને સીલ કરી દેવામાં આવી છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ માત્ર એક અકસ્માત હતો કે મશીનોનો નાશ કરવા માટે જાણીજોઈને કરાયેલું કોઈ કૃત્ય.

આ પણ વાંચો: Elon Musk: ઇલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ‘ટ્રિલિયોનર’, જાણો 1 ટ્રિલિયનમાં કેટલા મીંડા હોય?

  • Follow us on: