- વિદેશ રાજ્ય મંત્રીએ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને લઈને આપ્યું નિવેદન
- ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે સરકાર
- ભારત સરકાર અને વડાપ્રધાન કાર્યાલય ભારતીયોનાં સીધા સંપર્કમાં છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ સ્થિતિમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઈઝરાયેલમાં હાજર ભારતીયોને લઈને નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને આખી રાત ઈઝરાયેલમાં હાજર ભારતીયો વિશે સંદેશાઓ મળ્યા. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીની ઓફિસ આ સ્થિતિ પર સીધી નજર રાખી રહી છે.
ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લાવવાની તૈયારી
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે "મને ગઈકાલે રાત્રે ઘણા સંદેશાઓ મળ્યા હતા અને અમે આખી રાત કામ કરી રહ્યા હતા. ભારત સરકાર ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ પહેલેથી જ સંવેદના વ્યક્ત કરી છે. આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયેલની સાથે ઊભા છીએ. અમે આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો અને ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ."
દરેક ભારતૂીય પીએમઓના સંપર્કમાં છે
આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના મહામારી દરમિયાન સફળતાપૂર્વક પોતાના નાગરિકોને વિદેશમાંથી બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે "ઓપરેશન ગંગા હોય કે વંદે ભારત, અમે તમામ નાગરિકોને પરત લાવીશું. મને ખાતરી છે કે ભારત સરકાર અને વડાપ્રધાન કાર્યાલય તે લોકોના સીધા સંપર્કમાં છે."
બોલીવુડ અભિનેત્રી ભારત પહોંચી
હમાસના હુમલા બાદ ઈઝરાયેલે શનિવારે દેશમાં યુદ્ધની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઇઝરાયેલમાં અટવાયેલી બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા તે દુબઈ થઈને મુંબઈ પહોંચી હતી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે અને કોઈ તેમનો સંપર્ક કરી શક્યું નથી. જે બાદ ભારતીય દૂતાવાસે તેનો સંપર્ક કર્યો હતો.
ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો આવ્યો સામે
શનિવારે રાત્રે ઇઝરાયેલમાં હાજર કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ વ્યથિત જોવા મળ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે.