- કોટામાં વધુ એક આપઘાત
- વિદ્યાર્થીએ ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું
- પિતા પણ છે કોચિંગ ટીચર
એકસમયે એન્જિનિયરીંગ અને મેડિકલની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ JEE અને NEET ના કોચિંગ સેન્ટર સીટી તરીકે દેશભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવનાર કોટા સીટીનું આ બિરૂદ હવે ભૂંસાતું જઈ રહ્યું છે. રાજસ્થાનનું કોટા હવે વિદ્યાર્થીઓના ભણવાના બદલે તેમના સ્યુસાઈડ સીટી તરીકે વધુ પ્રસિદ્ધ થઈ રહ્યું છે.
કોટામાંથી વધુ એકવખત ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ વખતે વધુ એક વિદ્યાર્થીએ ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આની પાછળ પણ ભણવાનું અને પરીક્ષા પાસ કરીને તેમાં સિલેક્ટ થવાનું વધુ પડતું સ્ટ્રેસ કારણભૂત જણાઈ રહ્યું છે. કેમ કે વિદ્યાર્થીના પિતા પોતે કોટાના જ એક કોચિંગ સેન્ટરમાં ફેકલ્ટી છે. પરંતુ આ માત્ર એક અંદાજ છે. વિદ્યાર્થીના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ઝેર ખાઈને જીવન ટૂંકાવ્યું
કોટા જિલ્લા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ મોહમ્મદ તનવીર તરીકે થઈ છે. તે કોટામાં જ રહીને કોચિંગમાં સ્ટડી કરી રહ્યો હતો અને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેણે કોઈ અગમ્ય કારણોસર ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસ આ મામલે તનવીરના પરિવાર સાથે પણ પૂછપરછ કરી રહી છે.
અત્યાર સુધીમાં કુલ 28 વિદ્યાર્થીઓના મોત
કોટામાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 28 વિદ્યાર્થીઓની મોત થઈ ચૂકી છે. જેમાં લગભગ દરેક મોત આપઘાતના લીધે થઈ હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં ઘણાં રાજ્યોમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કોટામાં નીટ અથવા જેઈઈ પરીક્ષાની તૈયારી કરવા માટે કોટા આવે છે. જે માટે માતાપિતા દ્વારા તેમની શિક્ષા પાછળ મોટો ખર્ચો કરવામાં આવે છે. ઘરેથી પરીક્ષામાં સારી રેન્ક લાવવાની અપેક્ષા પણ ઘણીવાર વિદ્યાર્થીઓના કુમળા માનસ પર વધુ પડતુ દબાણ સર્જતી હોય છે. જેના લીધે ઘણીવાર આ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવાના બદલે સ્યુસાઈડ કરી પોતાના પેરેન્ટ્સને જીવનભરનું દુ:ખ આપીને જતા હોય છે.
મંત્રી ધારીવાલે આપ્યું હતું વિચિત્ર નિવેદન
આ બહુ સંવેદનશીલ મામલો છે, જો કે આ મામલે રાજસ્થાન સરકારમાં સામેલ મંત્રી શાંતિ ધારીવાલે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીઓ લવ અફેરના લીધે આત્મહત્યા કરતા હોય છે. ઝારખંડની એક વિદ્યાર્થિનીના સ્યુસાઈડ બાદ ધારીવાલે નિવેદન આપ્યું હતું કે આ છોકરીએ લવઅફેરના ચક્કરમાં પોતાનો જીવ ટૂંકાવ્યો. જ્યારે કે એના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરી ભણવા માટે કોટા આવી હતી, તેથી તે આ કારણના લીધે આવું પગલું ભરે તે શક્ય નથી.
સરકાર, તંત્ર, શિક્ષકોના પ્રયાસ પણ નિષ્ફળ
કોટામાં સ્યુસાઈડ રોકવા માટે સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, કોટા પોલીસ, કોચિંગ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તમામ સાથે મળીને પ્રયાસ કરી રહી છે, જો કે તેના પછી પણ આવી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. આ વર્ષે કુલ 28 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવનને અલવિદા કહી દીધું. આ પ્રોબ્લેમને નિવારવા માટે પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા તણાવમાં રહેવાવાળા વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર કોલ આવી રહ્યા છે. તેમ છતાં સ્યુસાઈડની ઘટનાઓ ઘટી રહી નથી.