NDRFની ટીમ ટનલની અંદર પહોંચી
એક્યુરેટ કોંક્રીટ સોલ્યુશન્સના એમ.ડી અક્ષત કાત્યાલે જણાવ્યુ કે પાઈપને કોઈપણ અડચણ વિના ખૂબ જ સાવધાનીપૂર્વક અંદર ધકેલવામાં આવી છે. હાલ સફળતા પૂર્વક પાઇપ પસાર થઈ ગઈ છે. શ્રમિકોને બચાવવાનું કામ શરૂ થઈ ગયું છે. . NDRF ની ટીમો અંદર પ્રવેશી છે. ત્યાં જઇને 3 ફ્રેઝમાં શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. પહેલા તો સ્થિતિ શું છે તે જોશે અને ત્યારબાદ શ્રમિકો બચાવવા માટે મોકડ્રીલ કરશે. આમ 3-4 ફેઝ બાદ એક રેમ્પ બન્યા બાદ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે.
ટનલની અંદર બનાવી અસ્થાયી હોસ્પિટલ
બચાવ કામગીરીને કારણે ટનલની અંદર અસ્થાયી તબીબી સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. ફસાયેલા શ્નમિકોને બહાર કાઢ્યા બાદ આ સ્થળે આરોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં આરોગ્ય વિભાગ દ્વારા 8 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે અને તબીબો અને નિષ્ણાતોની ટીમ તૈનાત કરવામાં આવી છે.
સુરંગની બહાર ફૂલો અને માળા સાથે હાજર લોકો
શ્રમિકો અને બચાવ ટીમ માટે સુરંગની બહાર હાર અને ફૂલ તૈયાર રાખવામાં આવ્યા છે. તે તેમામનું સ્વાગત કરવામાં આવશે. ઉતરકાશી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોના પરિવારના સભ્યો કહે છે, “અમને ખુશી છે કે તેમને જલ્દીથી બચાવી લેવામાં આવશે. અમે તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરીએ છીએ.' અમે તેમને કહ્યું કે બચાવ ટીમ ટૂંક સમયમાં તેમના સુધી પહોંચશે.' પરિવારના સભ્યો હવે તેમના સામાન સાથે ટનલની અંદર જઈ રહ્યા છે.
ટનલની અંદર કાળા ચશ્મા પહોંચાડવામાં આવ્યા
ટનલની અંદર ગાદલું, સ્ટ્રેચર અને ગોગલ્સ મોકલવામાં આવ્યા છે. શ્રમિકો ગમે ત્યારે બહાર આવી શકે છે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટનલની બહાર સ્થાનિક લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે.
CM ધામી પહોંચ્યા ઘટના સ્થળે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા ટનલ બચાવ સ્થળ પર પહોંચ્યા છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ટનલની અંદર પાઇપ નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં તમામ કામદારોને બચાવી લેવામાં આવશે
સીએમ ધામીએ આપ્યુ અપડેટ
ઉત્તરાખંડ સીએમ ધામી રેસ્ક્યૂની કામગીરીને લઇને ઉત્સાહિત જણાયા. તેઓએ આ અંગે ટ્વિટ કરીને બાબા બૌખનાગજીની અસીમ કૃપા અને દેશવાસીઓની પ્રાર્થનાના ફળ રૂપે ડ્રિલિંગની કામગીરી પુરજોશમાં થઇ રહી હોવાનુ જણાવ્યું. સાથે એમ પણ કહ્યું કે બહુ જ જલ્દીથી શ્રમિકો બહાર આવી જશે.
મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ
આ અંગે માઇક્રો ટનલિંગ એક્સપર્ટ ક્રિસ ક્રૂપરે જણાવ્યું કે અમે હજી ડ્રિલિંગ કરી રહ્યા છીએ. દરેક લોકો ખૂબ ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહેશે કે શું થાય છે. અમે હાલતો વર્ટિકલ ડ્રિલિંગ બંધ કરી દીધું છે અને મેન્યુઅલ ડ્રિલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સાંજ સુધીમાં શ્રમિકો બહાર આવશે- નોડલ ઓફિસર
ઉત્તરાખંડના સેક્રેટરી અને સિલ્કાયરા રેસ્ક્યુ ઓપરેશનના નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે માહિતી આપતા જણાવ્યું કે અમે પાઇપમાં 55.3 મીટર દબાણ કર્યું છે. માત્ર થોડું વધુ અંતર બાકી છે... તે 57-59 મીટરની વચ્ચે ક્યાંક હોઈ શકે છે.. .જો કોઈ વધુ અવરોધો ન આવે તો થોડા કલાકો લાગી શકે છે...સાંજ સુધીમાં આપણે આશા રાખીએ કે શ્રમિકો બહાર આવી જાય.
ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોની બચાવ કામગીરી ગમે ત્યારે પુરી થઈ શકે છે. ટનલની બહાર હંગામી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીં કામદારોનો મેડિકલ ટેસ્ટ થશે. આ પછી તરત જ બધાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવશે. ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈયાર ઊભી છે.
NDRF-SDRF અને તબીબો સ્થળ પર તૈનાત
મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા બાદ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે SDRF, NDRFને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ પણ સ્થળ પર હાજર છે. તમામ અધિકારીઓને 24 કલાક એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 41 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા મજૂરોને સીધા અહીં લાવવામાં આવશે.