- લોકસભામાં રાહુલ ગાંધીએ ધારદાર કર્યા પ્રહાર
- નિયમોના ભંગ બદલ એનડીએના સાંસદોએ કરી હતી ફરિયાદ
- સ્પીકરના આદેશ બાદ રાહુલ ગાંધીની સ્પીચનો કેટલોક ભાગ હટાવી દેવાયો
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન ખુદ પીએમ મોદી અને અમિત શાહે તેમના ભાષણના ઘણા ભાગો પર અનેકવાર વાંધો ઉઠાવ્યો હતો. શાસક પક્ષે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહમાં ખોટા તથ્યો બોલી રહ્યા છે. આ ઉપરાંત રાહુલગાંધીએ હિંદુ સમાજને લગતા ભાષણ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. શાસક પક્ષના વાંધાઓ બાદ સ્પીકર ઓમ બિરલાએ રાહુલના ભાષણના ઘણા ભાગોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવવાની સૂચના આપી હતી.
નિયમો વિરુદ્ધ હોવાથી કરી હતી ફરિયાદ
રાહુલ ગાંધીએ લોકસભામાં હિંસક હિંદુ સહિત અનેક બાબતે ધારદાર નિવેદનો આપ્યા હતા. જે સંસદીય નિયમો વિરુદ્ધ હોવાની NDA સાંસદોએ ફરિયાદ કરી છે. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાના આદેશ પર રાહુલ ગાંધીના ભાષણના ઘણા હિસ્સાને લોકસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
આજે પણ થઇ શકે હંગામો
બીજી તરફ આજે પણ આ મુદ્દે સંસદમાં હંગામો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એક તરફ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ રાહુલના ભાષણને રેકોર્ડમાંથી હટાવવાના વિરોધમાં વિરોધ કરવાની તૈયારી કરી લીધી છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા તેઓ સરકારને ઘણા સવાલો પણ પૂછવાના છે.
સદન પહેલા એનડીએની મળી બેઠક
વિપક્ષના હુમલાઓ સામે એનડીએનું હોમવર્ક તૈયાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા તેમના સંસદીય દળની બેઠક બોલાવી હતી.. આ પછી સાંજે વડાપ્રધાન પોતે લોકસભામાં વિપક્ષના તમામ ટોણા અને પ્રહારોનો જવાબ આપશે.
શું બોલ્યા હતા રાહુલગાંધી ?
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષ કરે છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.