• લોકસભામાં અનુરાગ ઠાકુરે વિપક્ષને લીધુ આડેહાથ
  • કોંગ્રેસ અને કેજરીવાલ અંગે આપ્યુ નિવેદન
  • જય પેલેસ્ટાઇનનો નારો સ્વીકાર્ય નથી

લોકસભામાં આજે બીજેપી નેતા અનુરાગ ઠાકુરે વિવિધ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે રાહુલગાંધી, અરવિંદ કેજરીવાલ, સેમ પિત્રોડા તથા અસદુદ્દીન ઓવૈસીને લઇને તેમણે આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર 328 બેઠકો પર ચૂંટણી લડી અને 228 બેઠકો પર હારી ગઇ.

ચૂંટણીમાં વિદેશી શક્તિનો હાથ હતો- અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ભય અને ભ્રમ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીમાં વિપક્ષી લોકો સાથે વિદેશી શક્તિઓનો હાથ પણ હતો. તેમણે સામ પિત્રોડા પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં સામ પિત્રોડા દ્વારા ઝેરીલા શબ્દો આપવામાં આવ્યા હતા. શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામ પ્રિત્રોડાના નિવેદન સાથે સહમત છે? જાતિવાદી ટિપ્પણીઓ અમને સ્વીકાર્ય નથી. શું વિપક્ષ સામ પિત્રોડાના નિવેદન સાથે સહમત છે?

જય પેલેસ્ટાઇનને લઇને શું કહ્યું ?

તેમણે અસદુદ્દીન ઓવૈસીના જય પેલેસ્ટાઈન બોલવા અંગે કહ્યું કે જય પેલેસ્ટાઇનનો નારો સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે જે લોકો જય મા ભારતી નથી કહેતા તે લોકો હવે જય પાકિસ્તાન અને જય ચીન કહેવાની દિશા તરફ વળી રહ્યા છે. કોંગ્રેસને જણાવવું જોઈએ કે તેઓ ફરીથી ઈમરજન્સી જેવી ભૂલ નહીં કરે.

કેજરીવાલ પર કર્યા પ્રહાર

અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે દારૂના કૌભાંડમાં સંડોવાયેલા તથા જેલમાં અને જામીન પર રહેલા લોકોને પોતાના સાથી તરીકે પસંદ કર્યા છે. અમે વર્ક ફ્રોમ હોમ સાંભળ્યુ હતું પણ વર્ક ફ્રોમ જેલ ક્યારેય સાંભળ્યુ નથી. પરંતુ આજે જેલમાંથી કામ કરવામાં આવી રહ્યું છે. કટ્ટર અપ્રમાણિક વ્યક્તિ આજે જેલમાં છે. એક રાજ્યમાં ગઠબંધન થયું, બીજા રાજ્યમાં ગઠબંધન થયું નહીં. વધુમાં કહ્યુ કે દિલ્હીમાં કેવી સરકાર છે કે જેના કાયદા મંત્રીએ રાજીનામું આપ્યુ અને શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રી જેલમાં છે.

  • Follow us on: