• ગ્વાલિયરનાં ઐતિહાસિક કિલ્લામાં આવેલી છે સિંધિયા સ્કૂલ

  • પીએમ મોદીએ દેશની સિદ્ધિઓનું કરાવ્યું સ્મરણ
  • આગામી 10 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ : પીએમ મોદી

ગ્વાલિયરના કિલ્લામાં સ્થિત સિંધિયા સ્કૂલના 125માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભારતની સફળતાની પ્રશંસા કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત જે સફળતાની ઊંચાઈ પર છે તે અભૂતપૂર્વ છે. સમગ્ર વિશ્વમાં ભારતે પોતાનો પ્રભાવ જમાવ્યો છે. 23 ઓગસ્ટે ભારત ચંદ્રનાં દક્ષિણ ધૃવ પર પહોંચ્યું હતું જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી.

સિંધિયા સ્કૂલમાં પીએમ મોદીનું સ્વાગત

પીએમ મોદી શનિવારે સિંધિયા સ્કૂલમાં અઢી કલાક રોકાયા હતા. સાંજે 4:30 વાગ્યે એરફોર્સ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ લગભગ 4:55 વાગ્યે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતાં અને ગ્વાલિયરના ઐતિહાસિક કિલ્લામાં બનેલી સિંધિયા સ્કૂલમાં પહોંચ્યા હતાં. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સિંધિયા સ્કૂલના સંચાલક મંડળના સભ્યોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

મોદી સરકારનાં દસ વર્ષ

કેન્દ્રની યોજનાઓ અંગે પીએમ મોદીએ કહ્યું કે ''જ્યારે તેમને 2014માં વડાપ્રધાનની જવાબદારી મળી ત્યારે તેમની પાસે બે વિકલ્પ હતા. કાં તો માત્ર ક્ષણિક લાભ અથવા લાંબા ગાળાના વિચાર સાથે કાર્ય કરો. તેમની સરકારના 10 વર્ષ થઈ ગયા છે. સરકારે લાંબા ગાળાના આયોજન માટે નિર્ણયો લીધા. આ નિર્ણયો અભૂતપૂર્વ છે.''

દેશ સફળતાનાં શિખરો પર

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશની સફળતા શિખરોને સ્પર્શી રહી છે. 23 ઓગસ્ટના રોજ ભારત ચંદ્ર પર એવી જગ્યા પર પહોંચ્યું જ્યાં સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. પીએમ મોદીએ કહ્યું કે પહેલા માત્ર સેટેલાઇટ સરકારો દ્વારા બનાવવામાં આવતી હતી અથવા વિદેશથી લાવવામાં આવતી હતી પરંતુ તેમની સરકારે સ્પેસ સેક્ટરની સાથે સાથે ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે. તેમણે યુવાનોને મેક ઈન ઈન્ડિયાના સંકલ્પ સાથે આગળ વધવા અને હંમેશા આઉટ ઓફ બોક્સ વિચારવાનું આહ્વાન કર્યું.

સૌથી ઝડપી અર્થવ્યવસ્થા

વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધી રહી છે. આજે ભારત વૈશ્વિક ફિનટેક એડોપ્શન દરમાં નંબર વન છે. ગગનયાનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે દેશ માટે કશું જ અશક્ય નથી રહ્યું.

ગરીબી દૂર થશે અને વિકસિત દેશનું નિર્માણ થશે

કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ''આપણો દેશ ગરીબીને દૂર કરીને વિકસિત બનશે. આજે ભારત મોટા પાયે બધું કરી રહ્યું છે. સપના અને સંકલ્પ બંને મોટા હોય. તેમણે કહ્યું કે તમારું સ્વપ્ન વાસ્તવમાં મારો સંકલ્પ છે.''

યુવાનોની ક્ષમતામાં પૂર્ણ વિશ્વાસ

પ્રધામંત્રીએ કહ્યું હતું કે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં તકોની કોઈ કમી ન હોય. તેમને યુવાનોની ક્ષમતામાં પૂરો વિશ્વાસ છે. આવનારા 25 વર્ષ દરેક માટે મહત્વપૂર્ણ છે, દેશ માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

સરકારે લીધા મોટા નિર્ણયો

પીએમએ કહ્યું હતું કે તેમની સરકાર દરમિયાન ટ્રિપલ તલાકનો કાયદો બનાવવામાં આવ્યો હતો. નારી શક્તિ વંદન એક્ટ જે પેન્ડિંગ હતો તેને પાસ કરવામાં આવ્યો. તેમની સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા. જો તેમની સરકારે આ ન કર્યું હોત તો આવનારી પેઢીઓ પર બોજ પડત અને અમે તે બોજ હળવો કર્યો છે.

  • Follow us on: