• પુણેમાં પોર્શ કાર અકસ્માતનો મામલો
  • સગીર આરોપીના પિતાને 5 દિવસની પોલીસ કસ્ટડી
  • વિશાલ અગ્રવાલ પર ફેંકવામાં આવી સહી

પુણેમાં પોર્શ કાર અકસ્માત મામલે સગીર આરોપીના પિતા અને ઉદ્યોગપતિ વિશાલ અગ્રવાલને 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઘટના સમયે પોલીસ વિશાલ અગ્રવાલને કોર્ટમાં હાજર થવા લઈ જઈ રહી હતી. આ દરમિયાન એક સંગઠન સાથે જોડાયેલા કેટલાક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમની પર સહી ફેંકી હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં 5 લોકોની કરી ધરપકડ

મહત્વનું છે કે પુણે પોલીસે મંગળવારે વિશાલ અગ્રવાલની છત્રપતિ સંભાજી નગરથી ધરપકડ કરી હતી. તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂણેમાં ત્રણ દિવસ પહેલા દારૂના નશામાં 17 વર્ષના એક છોકરાએ પોતાની પોર્શ કાર વડે બાઇક સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંને (છોકરો અને છોકરી)ના મોત થયા હતા. મૃતકોની ઓળખ અનીશ અવધિયા (24 વર્ષ) અને અશ્વિની કોષ્ટા (24 વર્ષ) તરીકે થઈ છે. બંને મધ્યપ્રદેશના રહેવાસી હતા અને પુણેમાં નોકરી કરતા હતા. આ કેસમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આરોપી સગીરને કેટલીક શરતો સાથે મુક્ત કર્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બારના બે મેનેજર, બારના માલિક, હોટેલ કર્મચારી અને આરોપી વિશાલ અગ્રવાલના પિતાના નામ સામેલ છે.

જામીનનો પોલીસે કર્યો હતો વિરોધ

પુણે પોલીસનું કહેવુ છે કે આ ગુનો જઘન્ય છે, તેથી ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પોલીસે આ કેસમાં સેશન્સ કોર્ટમાં અરજી પણ કરી હતી અને સગીરના જામીનનો વિરોધ કર્યો હતો. જોકે, સેશન્સ કોર્ટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં રિવ્યુ પિટિશન માટે નિર્દેશ આપ્યો હતો. જે બાદ મંગળવારે પોલીસે જેજે બોર્ડમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપી સગીરને સુનાવણી દરમિયાન હાજર રહેવાની નોટિસ પણ આપી હતી.

કોણ છે વિશાલ અગ્રવાલ?

સગીર આરોપીના પિતા વિશાલ અગ્રવાલ પુણેમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. વિશાલનું પુણેમાં બ્રહ્મા કોર્પ નામનું મોટું ઔદ્યોગિક જૂથ છે. કંપનીએ પુણેમાં ઘણાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવ્યાં છે જેમાં વડગાંવ શેરી, ખરાડી, વિમાન નગરમાં પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ કંપનીએ પુણેમાં લા મેરીડિયન હોટેલ, રેસિડેન્સી ક્લબ જેવા મોટા બાંધકામો પણ કર્યા છે. વિશાલને વાહનોનો પણ શોખીન માનવામાં આવે છે.

સગીર આરોપીના દાદાનું અંડરવર્લ્ડ કનેક્શન

તો આ મામલે સગીર આરોપીના દાદાનું અંડરવર્લ્ડ કનેક્શન પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સગીરના દાદા સુરેન્દ્ર કુમાર અગ્રવાલે પોતાના ભાઈ સાથે પ્રોપર્ટીના વિવાદમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની મદદ લીધી હતી. સૂત્રોનું કહેવું છે કે સુરેન્દ્ર કુમાર અગ્રવાલના નિર્દેશ પર છોટા રાજનના સાગરિતોએ પણ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી હતી. સીબીઆઈએ આ કેસની તપાસ કરી હતી. આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.

  • Follow us on: