- દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી
- અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી
- અરજીમાં CM પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કેજરીવાલને દિલ્હીના CM પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કેજરીવાલને દિલ્હીના CM પદ પરથી હટાવવાને લઇ અરજીમાં ઉલ્લેખ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક્સાઇઝ પોલિસી કેસમાં શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી છે. ED દ્વારા ધરપકડ બાદ કેજરીવાલે હજુ સુધી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નથી. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે.
કેજરીવાલને ED દ્વારા 21 માર્ચના રોજ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ એવા સમયે પ્રકાશમાં આવી રહ્યું છે જ્યારે આજે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલ 10 દિવસની કસ્ટડીની માંગણી કરતી વખતે રાઉસ એવન્યુ કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે ષડયંત્ર ઘડ્યું હતું.
કોર્ટમાં શું દલીલ થઇ?
એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ ED માટે હાજર થઈને કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે પંજાબની ચૂંટણી લડવા માટે 'સાઉથ ગ્રૂપ'ના કેટલાક આરોપીઓ પાસેથી 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. તેમણે કહ્યું કે પૈસાની લેવડ-દેવડથી જાણવા મળ્યું છે કે ગોવાની ચૂંટણીમાં વપરાયેલી 45 કરોડ રૂપિયાની 'લાંચ' ચાર હવાલા માર્ગોથી આવી હતી.
અરવિંદ કેજરીવાલના વકીલે શું આપી દલીલ?
અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેવડદેવડની લિંક્સ જોડવા માટે વધુ તપાસને ધરપકડનો આધાર બનાવી શકાય નહીં.