- રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા અંગે SCનું નિવેદન
- સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને માફી માગવા કહ્યું
- રાજ્યસભાના સભાપતિ પાસે માફી માંગે રાઘવ ચઢ્ઢા
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાના મામલામાં માફી માંગવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાના સમાધાન માટે માફીનો માર્ગ યોગ્ય છે. કોર્ટે કહ્યું કે રાઘવ ચઢ્ઢાએ પહેલા રાજ્યસભાના અધ્યક્ષને મળવું જોઈએ અને લેખિતમાં માફી માંગવી જોઈએ, ત્યારબાદ અધ્યક્ષ તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા પર વિચાર કરશે.
રાઘવ ચઢ્ઢા માફી માંગવા તૈયાર
કોર્ટના આદેશ બાદ રાઘવ ચઢ્ઢા વતી તેમના વકીલે કહ્યું કે રાઘવ ચઢ્ઢા અધ્યક્ષની બિનશરતી માફી માંગવા તૈયાર છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એ પણ કહેવામાં આવ્યું કે આ સમગ્ર મામલે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો ગૃહની ગરિમા પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નહોતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે રાઘવ ચઢ્ઢા અધ્યક્ષને મળશે અને તેમની પાસેથી લેખિતમાં બિનશરતી માફી માંગશે. આ પછી, ગૃહના તથ્યો અને સંજોગોની પૃષ્ઠભૂમિમાં તેના પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવશે. સમગ્ર મામલામાં નિર્દેશ આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે આગામી સુનાવણી હવે દિવાળી પછી થશે.
SCના શરણે ગયા હતા રાઘવ ચઢ્ઢા
આ દરમિયાન સુપ્રીમ કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું કે રાઘવ ચઢ્ઢા પ્રતિષ્ઠિત ગૃહના સૌથી યુવા સભ્ય છે. રાજ્યસભામાંથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરાયા બાદ રાઘવ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાઘવ ચડ્ડાએ કહ્યું હતું કે તેમની સામે વિશેષાધિકાર ભંગનો કોઈ કેસ નથી.છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સચિવાલયને નોટિસ મોકલી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે સંસદના પ્રતિનિધિને લાંબા સમય સુધી સસ્પેન્ડ રાખવો તેના વિશેષાધિકારોને ધ્યાનમાં રાખીને યોગ્ય નથી.