- રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ
- વસુંધરા રાજેએ ઝાલાવાડમાં કર્યુ મતદાન
- સચિન પાયલટે પણ કર્યુ મતદાન
રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. શ્રીગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.
પૂર્વ મુખ્યમંત્રીએ કર્યુ મતદાન
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજેએ ઝાલાવાડના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમણે જણાવ્યું કે હું તમામ મતદારોને, ખાસ કરીને નવા મતદારોને જોરશોરથી મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
ભાજપની જીતી રહી છે- મેઘવાલ
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન રામ મેઘવાલ પોતાનો મત આપવા બિકાનેર ઈસ્ટના કિસામીડેસરના બૂથ નંબર 174 પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભાજપ તમામ બેઠકો પર જીતી રહ્યું છે... રાજસ્થાન વિકાસના મુદ્દા પર મતદાન કરવા જઈ રહ્યું છે. મેં દરેકને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી છે.
પીએમ મોદી મોટો ચહેરો- ગજેન્દ્ર શેખાવત
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુરમાં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે જનતા ગેહલોત સરકારને હટાવશે અને ભારે બહુમતી સાથે ભાજપને ચૂંટશે. મુખ્યમંત્રીના પ્રશ્ન પર ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે પાર્ટીનું સંસદીય બોર્ડ અને વિધાનમંડળ આ અંગે નિર્ણય કરશે. કમળનું પ્રતીક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં અમારો સૌથી મોટો ચહેરો છે.
ફરીથી સરકાર બનાવીશું- સચિન પાયલટ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ટોંક વિધાનસભાથી ઉમેદવાર છે. તેઓએ જયપુરમાં મહાત્મા ગાંધી રેસીડેન્સી સ્કૂલમાં મતદાન કર્યુ હતું. ભાજપના અજીત સિંહ મહેતા પાયલટને ટક્કર આપી રહ્યા છે. વોટ બાદ તેમણે જણાવ્યું કે જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. 2018માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો.. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.