26 જાન્યુઆરી, 1950 – ભારતના ઇતિહાસમાં એક એવો દિવસ, જે માત્ર કેલેન્ડરની તારીખ નથી, પરંતુ રાષ્ટ્રની આત્માની પુનર્જન્મ તારીખ છે. આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું. અંગ્રેજ શાસનના અંત પછી, દેશે માત્ર સત્તા નહીં પરંતુ પોતાની ઓળખ પણ પોતાના હાથમાં લીધી. વર્ષો સુધી ભારતીય જમીન પર શાસન કરનારા બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીકો ધીમે ધીમે દૂર થયા અને તેની જગ્યાએ ભારતની પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યો દર્શાવતા પ્રતીકો અપનાવવામાં આવ્યા. આ પરિવર્તનનો સૌથી શક્તિશાળી અને અર્થસભર પ્રતીક બન્યો – અશોક સ્તંભ.
સૌથી મોટો પ્રશ્ન
સ્વતંત્રતા મળ્યા પછી તરત જ એક મોટો પ્રશ્ન ઉભો થયો: શું સ્વતંત્ર ભારત હજુ પણ શાહી તાજ, યુનિયન જેક અને રાજાના આદેશોથી ચાલશે? શું ગુલામીના પ્રતીકો સાથે એક મુક્ત રાષ્ટ્ર આગળ વધી શકે? પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. ભીમરાવ આંબેડકર જેવા નેતાઓ આ બાબતમાં એકમત હતા કે જો દેશના પ્રતીકો નહીં બદલાય, તો લોકોના મનમાંથી ગુલામી ક્યારેય દૂર નહીં થાય. આથી રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રધ્વજ, ચલણ, સીલ અને સૈન્યના નામ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ.
રાષ્ટ્રીય પ્રતીક માટે અનેક સૂચનો
રાષ્ટ્રીય પ્રતીક માટે અનેક સૂચનો આવ્યા. કેટલાક લોકો ગાય, દેવી-દેવતા, ॐ અથવા ધાર્મિક ચિહ્નોને પ્રતીક બનાવવા માગતા હતા, જ્યારે કેટલાકે કારખાના, વીજળી, બંધ, મશીન અને આધુનિક વિકાસના પ્રતીકો સૂચવ્યા. પરંતુ આ બધાં સૂચનો નકારવામાં આવ્યા. કારણ સ્પષ્ટ હતું – ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક છે. કોઈ એક ધર્મ, પંથ કે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતું પ્રતીક સમગ્ર દેશને જોડતું નથી.
પંડિત નેહરુ શું માનતા
પંડિત નેહરુ માનતા હતા કે રાષ્ટ્રીય પ્રતીક એવું હોવું જોઈએ, જે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક લોકશાહી બંનેને પ્રતિબિંબિત કરે. ડૉ. આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકો વૈજ્ઞાનિક વિચારધારા અને નૈતિક મૂલ્યો પર આધારિત હોવા જોઈએ, પૌરાણિક કે ધાર્મિક માન્યતાઓ પર નહીં. આ વિચારોથી પ્રેરાઈને અંતે સૌની નજર ગઈ સમ્રાટ અશોકના સ્તંભ પર.
અશોક સ્તંભ માત્ર એક પથ્થરની કળા નથી
અશોક સ્તંભ માત્ર એક પથ્થરની કળા નથી, પરંતુ એક વિચાર છે. સમ્રાટ અશોક પહેલાં યુદ્ધપ્રિય શાસક હતા, પરંતુ કલિંગ યુદ્ધ પછી તેમણે હિંસા છોડીને ધર્મ, ન્યાય અને નૈતિકતાના માર્ગે શાસન કર્યું. તેમનું શાસન તલવારથી નહીં, પરંતુ કાયદા અને નૈતિક મૂલ્યોથી ચાલતું હતું. આ જ વિચાર આધુનિક ભારતના બંધારણ સાથે મેળ ખાતો હતો – જ્યાં રાજા નહીં, પરંતુ કાયદો સર્વોચ્ચ છે.
અશોક સ્તંભના શિખર પર ચાર સિંહ
અશોક સ્તંભના શિખર પર ચાર સિંહ છે, જે ચાર દિશાઓ તરફ મોઢું રાખીને ઉભા છે. તેનો અર્થ થાય છે કે રાજ્ય દરેક દિશામાં સજાગ છે અને સમગ્ર દેશ પર સમાન રીતે નજર રાખે છે. અબેકસ પર કોતરાયેલા સિંહ, બળદ, ઘોડો, હાથી અને ધર્મચક્ર શક્તિ, ગતિ, સ્થિરતા અને ન્યાયનું પ્રતીક છે. નીચે લખેલું “સત્યમેવ જયતે” – એટલે કે “સત્યનો જ વિજય થાય છે” – ભારતના નૈતિક આધારને દર્શાવે છે.
અશોક સ્તંભ લાંબા સમય સુધી ઇતિહાસમાં ખોવાઈ
આ અશોક સ્તંભ લાંબા સમય સુધી ઇતિહાસમાં ખોવાઈ ગયો હતો. સમય જતાં તે જમીનમાં દટાઈ ગયો. 1904–05 દરમિયાન જર્મન સિવિલ એન્જિનિયર અને પુરાતત્વપ્રેમી ફ્રેડરિક ઓર્ટેલે સારનાથમાં ખોદકામ કરાવ્યું. ચીની પ્રવાસી ઝુઆનઝાંગ અને ફેક્સિયનના વર્ણનોના આધારે કરવામાં આવેલા આ ખોદકામમાં અશોક સ્તંભનો સિંહ મથાક અકબંધ મળ્યો. આજે તે વારાણસીના સારનાથ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યો છે.
તેની આધુનિક ડિઝાઇન તૈયાર
જ્યારે અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે પસંદ કરવામાં આવ્યો, ત્યારે તેની આધુનિક ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી શાંતિનિકેતનના પ્રખ્યાત કલાકાર નંદલાલ બોઝ અને તેમની ટીમને સોંપવામાં આવી. 1949માં તૈયાર થયેલી આ ડિઝાઇન આજે આપણે ચલણ, પાસપોર્ટ, સરકારી સીલ અને દસ્તાવેજો પર જોઈ શકીએ છીએ.
26 જાન્યુઆરી, 1950ના રોજ સત્તાવાર
26 જાન્યુઆરી, 1950ના રોજ અશોક સ્તંભને સત્તાવાર રીતે ભારતના રાજ્ય પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યો. એ દિવસે “રોયલ” શબ્દ સેનાના નામમાંથી દૂર થયો, રાજા-રાણીના ફોટા ચલણમાંથી ગાયબ થયા, યુનિયન જેકની જગ્યાએ ત્રિરંગો લહેરાયો અને ભારતે દુનિયાને સંદેશ આપ્યો કે હવે આ દેશ તાજથી નહીં, પરંતુ બંધારણથી ચાલશે. અશોક સ્તંભ ફક્ત એક પ્રતીક નથી; તે ભારતની આત્માનો અવાજ છે – ન્યાય, સત્ય, નૈતિકતા અને લોકશાહીની શાશ્વત પ્રતિજ્ઞા
આ પણ વાંચો : Americaમાં વિન્ટર સ્ટોર્મનો કહેર, Air Indiaની ફ્લાઇટ્સ રદ