- લોકસભા ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારી
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો
- ગંભીર પરિસ્થિતિઓમાં કોંગ્રેસને ગાયબ થતી જોઈ: સ્મૃતિ ઈરાની
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તમામ રાજકીય પક્ષો તેમના વિરોધ પક્ષોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન અમેઠીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું, તમે આ પ્રદેશમાં કોંગ્રેસની રાજનીતિ જોઈ છે. તમે બધાએ ગંભીર પરિસ્થિતિઓમાં કોંગ્રેસને ગાયબ થતી જોઈ છે. જ્યારે કોવિડ આવ્યો, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ લોકો વચ્ચે જોવા મળ્યું ન હતું.
અમેઠી સીટને લઇ કોંગ્રેસ પર પ્રહાર
અમેઠી માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતમાં વિલંબને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ સૂચવે છે કે હવે કોંગ્રેસ પાર્ટી પણ જાણે છે કે અમેઠીમાં આ વખતે ફરીથી કમળનું ફૂલ ખીલવવાનું નક્કી કર્યું છે. તેની પાછળનું કારણ એ છે કે જો આપણે કોંગ્રેસ પાર્ટીના 50 વર્ષ અને રાહુલ ગાંધીના 15 વર્ષ અને BJP સાંસદના પાંચ વર્ષ જુઓ, તો દુનિયામાં તફાવત જોવા મળશે.
કોવિડ સમયમાં અમેઠીમાં ગાંધી પરિવાર ક્યા હતો: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે દેશ કોવિડનો સામનો કરી રહ્યો હતો, ત્યારે અમેઠીમાં ગાંધી પરિવારનો એક પણ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. કોઈ જૂઠું બોલી શકે નહીં કે તમારા સાંસદ ગામડે ગામડે ગયા હતા. કોવિડ દરમિયાન, હું ગામડાઓમાં ઘરે ઘરે ફરતી હતી. હું અહીં જાતિના આધારે નહીં, પરંતુ અમેઠીના કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે તમારું સમર્થન માંગું છું. આજે અમેઠી લોકસભા ક્ષેત્રમાં 4 લાખ 20 હજાર પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે.