• કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પોલીસ હવે ભગવાધારી પહેરવેશમાં
  • સુરક્ષાકર્મીઓ ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ત્રિપુંડ અને કેસરી વસ્ત્રો ધારણ કરશે
  • મંદિરના ગર્ભગૃહમાં ભગવા પોશાક પહેરીને સુરક્ષા વ્યવસ્થા સાથે બાજ નજર રાખશે

વિશ્વ પ્રસિદ્ધ ભગવાન ભોલેનાથની નગરી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં તૈનાત પોલીસકર્મીઓનો પહેરવેશ બદલવામાં આવ્યો છે. ભક્તોની વચ્ચે ઊભેલા પોલીસકર્મીઓ હવે પૂજારીના વેશભૂશામાં જોવા મળશે. આ સુરક્ષાકર્મીઓના ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ત્રિપુંડ અને કેસરી વસ્ત્રો ધારણ કરેલા જોવા મળશે.

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ બ્રેક ભીડ જોવા મળતી હોય છે. તેવામાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પોલીસકર્મીઓનો પહેરવેશ ભગવાધારી પૂજારીઓ જેવો હશે. અહીં તૈનાત સુરક્ષાકર્મીઓ ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ત્રિપુંડ અને ભગવા પોશાક પહેરીને સુરક્ષા વ્યવસ્થા સાથે બાજ નજર રાખશે.

હાલમાં મંદિરમાં જે રીતે પોલીસ તૈનાત છે તેના કારણે દૂરદૂરથી આવતા અનેક ભક્તો સાથે ગેરરીતિ જેવી ફરિયાદો પણ મળી રહી હતી. જેની નોંધ લેતા વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે નિર્ણય લીધો છે કે, મંદિરની પોલીસિંગની એક અલગ વ્યવસ્થા હોવી જોઈએ, જેના માટે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીઓના પહેરવેશમાં પોલીસકર્મીઓ ખાસ તૈનાત કરવામાં આવશે. 

ભક્તો પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશેઃ કમિશનર

પોલીસ અધિકારીએ સુરક્ષા વ્યવસ્થાને લઇ જણાવ્યું હતું કે, તમામ પોલીસકર્મીઓ પૂજારીના વેશમાં હશે. કેટલાક પોલીસકર્મીઓ તેમના યુનિફોર્મમાં તૈનાત રહેશે અને મહિલા પોલીસકર્મીઓ મહિલાઓને ભગવાનના દર્શન કરાવ્યા બાદ આગળ વધવાની અપીલ કરશે. આ નવા પ્રયોગમાં કોઈ ટચ પોલિસી નહીં હોય કારણ કે સામાન્ય રીતે પોલીસકર્મીઓ VIP મૂવમેન્ટ દરમિયાન ભક્તોને દૂર કરે છે. આનાથી તેમને દુઃખ થાય છે અને તેઓ નકારાત્મક વિચારો સાથે મંદિર છોડી દે છે. જેથી ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ભગવાધારી પહેરવેશમાં પોલીસ મંદિરમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે ફરજ નીભાવશે.

  • Follow us on: