કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે I4Cના પ્રથમ સ્થાપના દિવસે પોતાના સંબોધનમાં લોકોને સાયબર છેતરપિંડી વિશે જાગૃત રહેવા અપીલ કરી હતી. અમિક શાહે કહ્યું કે, સસ્પેક્ટ રજિસ્ટ્રી, સાયબર કમાન્ડો, સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર અને કો-ઓર્ડિનેશન પ્લેટફોર્મ આ 4 મુખ્ય સાયબર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઘણું વધી ગયું છે, ડિજિટલ પ્રવૃત્તિઓ વધી છે, વધુને વધુ લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભર છે, તેથી સાયબર સુરક્ષા વધારવાની જરૂરિયાત પહેલા કરતા વધુ વધી ગઈ છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં સાયબર સેક્ટરમાં ઘણો પડકાર છે, તેથી ડિજિટલ સુરક્ષા આપણી જવાબદારી છે. અમિત શાહ નવી દિલ્હીમાં I4Cના પ્રથમ સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશમાં સાયબર સુરક્ષા પ્રદાન કરવા માટે નક્કર માળખાકીય સુવિધાઓનું નિર્માણ અને કાયદાને મજબૂત કરવાની તેમજ અધિકારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તે સુરક્ષિત હશે. આ માટે 4 મહત્વપૂર્ણ સાયબર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારના શાસનમાં દરેક નાગરિકને સાયબર સુરક્ષાનો અધિકાર છે, અમારી સરકારે સાયબર સેક્ટરને મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે કાયદો મજબૂત કર્યો છે. તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય સાયબર ફ્રોડને રોકવા અને લોકોની ડિજિટલ પ્રવૃત્તિઓમાં સુધારો કરવાનો છે.

સાયબર છેતરપિંડીના નવા સ્વરૂપોથી સાવધ રહો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજના યુગમાં જેમ જેમ ડિજિટલ પર નિર્ભરતા વધી રહી છે તેમ સાયબર ફ્રોડના નવા સ્વરૂપો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જાગૃતિ જરૂરી છે. આજે દરેક વ્યક્તિએ ડિજિટલી કામ કરતી વખતે સાયબર ફ્રોડથી સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું કે I4Cની સ્થાપના માત્ર સાયબર ફ્રોડને રોકવા માટે કરવામાં આવી છે. સાયબર ક્રાઈમને રોકવા માટે આ એક અસરકારક પહેલ છે. હવે I4Cને જનતામાં લોકપ્રિય બનાવવાની જરૂર છે.

I4Cએ જાગૃતિ અભિયાન શરૂ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે I4C એ લોકોની જાગૃતિ માટે સમય સમય પર 600 થી વધુ માર્ગદર્શિકા જારી કરી છે. ઘણા સાયબર ફ્રોડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નકલી ડિજિટલ પ્લેટફોર્મની ઓળખ કર્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેને બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા માટે NFCL દ્વારા રાજ્યોને 10,500 ફોરેન્સિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. 4,45000 પોલીસ કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ, સરકારી અધિકારીઓ, NCERT શિક્ષકોને સાયબર સુરક્ષા તાલીમ આપવામાં આવી છે.

હેલ્પલાઇન નંબર 1930ને લોકપ્રિય બનાવવા માટે પખવાડિયાનું આયોજન કરવાની જરૂર છે. દરેક રાજ્યના સાયબર સુરક્ષા અભિયાનમાં 1930 નો ઉલ્લેખ કરવો જોઈએ. તો જ જનતાને ડિજિટલ છેતરપિંડી સામે મજબૂત હથિયાર મળશે.

પીડિત હેલ્પલાઈન નંબરની મદદ લો

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારે વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે. સાયબર સિક્યોરિટી માટે ICJSને મજબૂત બનાવવામાં આવ્યું છે. દેશની 1327 જેલોમાં ઈ-જેલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો કોઈને પણ ઓનલાઈન આર્થિક છેતરપિંડી થઈ હોય તો તેઓ આ હેલ્પલાઈન નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

  • Follow us on: