- ગર્ભપાતને લઇને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
- 26 અઠવાડિયાના ગર્ભપાતને ન આપી મંજૂરી
- મહિલાને 2 બાળક હોવાથી નહોતી ઇચ્છતી ત્રીજુ બાળક
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. એક મહિલાને 26 અઠવાડિયાનો ગર્ભ પડાવવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે એઇમ્સના રિપોર્ટમાં એ વાતની જાણકારી આપવામાં આવી કે બાળક ગર્ભમાં નોર્મલ છે. આ મામલે બુધવારે પણ સુનાવણી થઇ હતી પરંતુ તે સમયે બંને ન્યાયાધીશો વચ્ચે સહમતિ બની ન હતી. આથી આ મામલો ચીફ જસ્ટિસ પાસે મોકલવામાં આવ્યો હતો.
26 અઠવાડિયાનો હતો ગર્ભ
મહત્વનું છે કે 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે એક પરિણીત મહિલાને તેના 26 અઠવાડિયાના ભ્રૂણનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. અરજદાર મહિલાએ દલીલ કરી હતી કે તે પહેલાથી જ બે બાળકોની માતા છે અને લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ભાવનાત્મક અને આર્થિક સ્થિતિને ટાંકીને ત્રીજા બાળકને જન્મ ન આપવા અંગે જણાવ્યું હતું. તેણીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તે તેના ત્રીજા બાળકનો યોગ્ય રીતે ઉછેર કરી શકશે નહીં.
બાળક નોર્મલ છે
ઉલ્લેખનીય છે કે મહિલાની અરજી પર કોર્ટે AIIMSના સ્ત્રીરોગ વિભાગને મહિલાની તપાસ કર્યા બાદ ગર્ભપાત કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાની તપાસ દરમિયાન તબીબોએ આપેલા રિપોર્ટમાં ભ્રૂણ ધબકતું હોવાનું જણાવ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે AIIMSએ તેના અગાઉના રિપોર્ટમાં જ આનો ઉલ્લેખ કરવો જોઈતો હતો.
જો રિપોર્ટ વહેલો આવ્યો હોત તો ..
બુધવારે આ અંગે સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલી બાળકને જન્મ આપવાની તરફેણમાં હતા, જ્યારે જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યું કે તે અરજદાર મહિલાના અધિકારો અને ઈચ્છાઓના પક્ષમાં છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે તેઓ જસ્ટિસ હિમા કોહલીના મંતવ્યથી અલગ છે. ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે જો એઈમ્સનો રિપોર્ટ પહેલા આવ્યો હોત તો અમે અલગ રીતે વિચાર્યું હોત અને 9 ઓક્ટોબરનો આદેશ અલગ હોત.