• જમ્મુ કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓ પર આતંકી હુમલો
  • શિવખોડીથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા
  • આતંકીઓએ ફાયરિંગ કરતા બસ ખીણમાં પડી

જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં પ્રસિદ્ધ શિવ મંદિર શિવખોડીના દર્શન કરીને પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો થયો હતો. આતંકીઓએ ફાયરિંગ કરતા બસ બેકાબૂ બનીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રવિવાર સાંજની આ ઘટનાને લઇને ભારતીય સેના દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જંગલ વિસ્તારમાં શોધખોળ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

NIAની ટીમ તપાસ માટે રવાના

તો ઘટનાને પગલે NIAની ટીમ યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલાની તપાસ માટે રવાના થઈ છે. યાત્રાળુઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ બસ પર 20 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. 


રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ J&Kમાં તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલાની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.


બસમાં હતા 45 મુસાફરો

બસમાં 45 મુસાફરો હતા. પૌની અને શિવખોડી વચ્ચે કંડા ત્રયથ વિસ્તારમાં ચંડી વળાંક પાસે આતંકીઓએ ઓચિંતો હુમલો કરી દીધો. આતંકવાદીઓએ બસની સામે આવીને ગોળીબાર કર્યો હતો. અચાનક થયેલા ફાયરિંગને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને ઊંડી ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 


સેના જેવા કપડામાં હતો આતંકી- પ્રત્યક્ષદર્શી

ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સેના જેવા કપડા પહેરેલો એક આતંકવાદી અચાનક બસની સામે આવ્યો અને તેણે ઝડપથી ગોળીબાર શરૂ કર્યો. ડ્રાઇવરને ગોળી વાગતાની સાથે જ ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને બસ ઊંડી ખાઈમાં પડી. ચારેબાજુ બૂમો પડી રહી હતી. કેટલાક ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



  • Follow us on: