• ઉત્તરાખંડમાં વરસાદી આફત
  • સમગ્ર રાજ્યમાં 257 રસ્તાઓ બંધ
  • બે નેશનલ હાઇવે અને 19 સ્ટેટ હાઇવે ઠપ

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં વરસાદ આફત બન્યો છે. સમગ્ર રાજ્ય વરસાદને કારણે પ્રભાવિત થયુ છે. ખાસ કરીને રોડ રસ્તાની હાલત ખસ્તા બની છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 257 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

રોડ રસ્તા બિસ્માર

છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ થતા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 19 રાજ્ય ધોરીમાર્ગો સહિત 110 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) રસ્તાઓ પણ ઠપ થઇ ગયા છે. રસ્તાના સમારકામ માટે 229 જેસીબી અને પોકલેન્ડ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કાટમાળ હટાવવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

હજી પણ ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદને કારણે 7 અને 8 જુલાઇના રોજ ગઢવાલ વિભાગના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગઢવાલ મંડળે ચાર ધામ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને 7મી જુલાઈએ ઋષિકેશથી આગળ ચાર ધામ યાત્રા શરૂ ન કરવાની અપીલ કરી છે. તીર્થયાત્રીઓએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ જે સ્થળે યાત્રા માટે પહોંચ્યા છે ત્યાં આરામ કરવો જોઈએ.


23 મુસાફરોને બચાવી લેવાયા હતા

મહત્વનું છે કે આદિ કૈલાશ યાત્રા રૂટ પર ફસાયેલા 23 મુસાફરોને NDRF, SSB અને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ભક્તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી રસ્તો બંધ થવાને કારણે તવાઘાટમાં ફસાયેલા હતા. ભારે વરસાદને કારણે આદિ કૈલાશ યાત્રાનો રૂટ ઘણી જગ્યાએ બંધ છે. આ સાથે કૈંચીધામ જતો નેશનલ હાઈવે 87 બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.


અલકનંદા નદીનું જળસ્તર વધ્યું

જનપદ પૌડી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અલકનંદા નદીનું જળસ્તર પણ વધવા લાગ્યું છે. નદીનું જળસ્તર 534.70 મીટરે પહોંચ્યું છે. ભયજનક સપાટી 535 મીટરથી શરૂ થાય છે. નદી જ્યારે 536 મીટર સુધી પહોંચશે ત્યારે તે ખતરાના નિશાન પર પહોંચી જશે. આવી સ્થિતિમાં એસએસપી પૌડી લોકેશ્વર સિંહે ઉત્તરાખંડના શ્રીનગર શહેરની પોલીસને નદી વિસ્તારોની નજીક રહેતા લોકોને જાગૃત કરવા સૂચના આપી છે.

  • Follow us on: