- કથિત દારૂ કૌભાંડ મામલે કેજરીવાલની થઇ છે ધરપકડ
- પત્ની સુનિતાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કર્યો દાવો
- કૌભાંડના પૈસા અંગે 28 માર્ચે રજૂ કરશે માહિતી
સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સીએમ કેજરીવાલ આવતીકાલે એટલે કે ગુરુવારે કોર્ટમાં જણાવશે કે દારૂના કથિત કૌભાંડના પૈસા ક્યાં છે.
કેજરીવાલના પત્નીએ શું કહ્યુ ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળ મંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે મુખ્ય પ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો, શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે?. અરવિંદજીએ મને કહ્યું કે દારૂ કૌભાંડની તપાસમાં, ED એ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે. કોઈપણ દરોડામાં પૈસા મળ્યા નથી. અરવિંદ જીએ કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટમાં આ વાત જાહેર કરશે..તેઓ આના પુરાવા પણ આપશે..અરવિંદજીએ કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારા બધામાં છે.
ભાજપે પત્રોને લઇને તપાસની કરી માંગ
તો આ તરફ ભાજપના દિલ્હી એકમનું પ્રતિનિધિમંડળ બુધવારે પોલીસ કમિશનર સંજય અરોરાને મળ્યું હતું. તેમણે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા ED કસ્ટડીમાંથી મંત્રીઓને મોકલવામાં આવેલા પત્રોની તપાસની માંગ કરી હતી. કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં સંજય અરોરા સાથેની બેઠકમાં પાર્ટીના પ્રતિનિધિમંડળે કેજરીવાલ દ્વારા લખવામાં આવેલા પત્રો સાચા છે કે કેમ તેની તપાસની માંગ કરી હતી.
કેજરીવાલે જેલમાં રહીને બે આદેશો આપ્યા
ગયા અઠવાડિયે જળ મંત્રી આતિશીએ કેજરીવાલનો એક પત્ર બતાવ્યો હતો અને દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીએ તેમને શહેરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે નિર્દેશ આપ્યો છે. આરોગ્ય પ્રધાન ભારદ્વાજે મંગળવારે દાવો કર્યો હતો કે કેજરીવાલે તેમને ED કસ્ટડીમાંથી સૂચનાઓ મોકલી હતી કે સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં મફત દવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.