- સ્ત્રી અને પુરૂષ બંને વકીલોએ નેકબેન્ડ પહેરવું ફરજિયાત
- નેક બેન્ડ એટલે કે ગળાની સફેદ પટ્ટી નિર્દોષતાનું પ્રતિક છે
- કાળો કોટ એડવોકેટની ઓળખને ગંભીરતા આપે છે
હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ એક વકીલ પર ગુસ્સે થઈ ગયા હતા. કારણ એ હતું કે વકીલ નેકબેન્ડ વિના (ગળાની પટ્ટી) કોર્ટરૂમમાં પહોંચી ગયા હતા. તેના પર સીજેઆઈએ કડક શબ્દોમાં કહ્યું કે જો તમે પ્રોપર યુનિફોર્મમાં નથી, તો હું કેસની સુનાવણી નહીં કરી શકું.' તો જાણો શું છે નેકબેન્ડ અને શા માટે તે મહત્વનું છે?
વકીલો માટે છે નક્કી ડ્રેસકોડ
કોર્ટમાં હાજર રહેલા વકીલો માટે ડ્રેસ કોડ નિર્ધારિત છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર વકીલોએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોઅર કોર્ટ, ટ્રિબ્યુનલ અને ઓથોરિટીમાં હાજરી આપતી વખતે યોગ્ય ડ્રેસ કોડમાં હાજર રહેવું ફરજિયાત છે.
પુરુષ અને સ્ત્રી વકીલોનો ડ્રેસ કોડ
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોનું પ્રકરણ IV વકીલોના ડ્રેસ કોડ માટે છે. તેમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોઅર કોર્ટ, ટ્રિબ્યુનલ અને ઓથોરિટીમાં તમારી દલીલો રજૂ કરતી વખતે તમે સન્માનજનક વસ્ત્રો પહેરશો. તેમાં કાળો બટનવાળો કોટ, ચાપકન, અચકન, કાળી શેરવાની અને સફેદ બેન્ડવાળો વકીલ ગાઉન સામેલ છે. આ સિવાય બ્લેક કોટ, સફેદ શર્ટ અને એડવોકેટના ગાઉન સાથે સફેદ પટ્ટી પણ પહેરી શકાય છે. નિયમો અનુસાર વકીલો કોઈપણ સંજોગોમાં જીન્સ પહેરીને કોર્ટમાં હાજર રહી શકતા નથી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન્સ કોર્ટ અથવા સિટી સિવિલ કોર્ટ સિવાયની કોર્ટમાં બેન્ડને બદલે કાળી ટાઈ પહેરી શકાય છે.
મહિલા વકીલો માટે પણ છે ખાસ કોડ
મહિલા વકીલો માટે બ્લેક ફુલ સ્લીવ જેકેટ અથવા બ્લાઉઝ, વ્હાઇટ કોલર, વ્હાઇટ બેન્ડ સાથે એડવોકેટ ગાઉન પહેરવાનો નિયમ છે. મહિલા વકીલો પરંપરાગત પોશાક જેમ કે સાડી અથવા લાંબા સ્કર્ટ (સફેદ અથવા કાળો અથવા કોઈપણ પ્રિન્ટ અથવા ડિઝાઇન વિના કોઈપણ હળવા રંગનો) અથવા પંજાબી ચૂડીદાર કુર્તા અથવા સલવાર-કુર્તા અથવા કાળો કોટ અને બેન્ડ પહેરી શકે છે.
વકીલો નેકબેન્ડ કેમ પહેરે છે?
સફેદ નેકબેન્ડ વકીલોના પોશાકનો આવશ્યક ભાગ છે. સ્ત્રી અને પુરૂષ બંને વકીલોએ નેકબેન્ડ પહેરવું ફરજિયાત છે. જેમ 'ન્યાયનો ત્રાજવો' કોર્ટનું પ્રતીક છે, તેવી જ રીતે આ ગળાની પટ્ટી વકીલની ઓળખ છે. મળતી માહિતી મુજબ, ગળાની સફેદ પટ્ટી નિર્દોષતાનું પ્રતિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સફેદ કપડાના બે છેડાને એકસાથે જોડીને બનાવેલ એડવોકેટ બેન્ડ 'ટૅબ્લેટ ઑફ લૉ'નું પ્રતીક છે. ખ્રિસ્તી માન્યતા અનુસાર, મોસેસ સિનાઈ પર્વત પરથી ઉતર્યા પછી, તેમણે તે શિખર પરના પથ્થરના બે મોટા ટુકડા પર ભગવાન દ્વારા પ્રાપ્ત દસ આજ્ઞાઓ લખી. તેઓને 'ટૅબ્લેટ ઑફ લૉ' કહેવામાં આવે છે. ટેન કમાન્ડમેન્ટ્સ કાયદાની સમાન સંહિતાનું પ્રથમ ઉદાહરણ હોવાનું માનવામાં આવે છે. આમ, સફેદ નેકબેન્ડ્સ ભગવાન અને પુરુષોના નિયમોને સમર્થન આપે છે.
વકીલો કાળા કોટ કેમ પહેરે છે?
કાળા રંગ માટે બે મુખ્ય કારણો આપવામાં આવ્યા છે - પહેલું એ કે અન્ય રંગો તે સમયે સરળતાથી ઉપલબ્ધ ન હતા. બીજું, કાળો રંગ સત્તા અને શક્તિનું પ્રતીક છે. કાળો કોટ એડવોકેટની ઓળખને ગંભીરતા આપે છે. આનાથી વકીલોમાં શિસ્તની ભાવના પેદા થાય છે અને તેઓને શક્તિની ભાવના અને અધિકારો અને ન્યાયના હિમાયતી હોવાની લાગણી થાય છે.