- મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળે છે
- આ યોજના એપ્રિલ 2023 થી માર્ચ 2025 સુધી લાભ આપશે
- યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય મહિલાઓને બચત તરફ પ્રોત્સાહિત કરવાનો
બજેટ-2023માં કેન્દ્ર સરકારે મહિલાઓને લગતી એક યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ છે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના. હવે સમાચાર એ છે કે સરકાર માર્ચ-2025 પછી આ યોજના ચાલુ રાખશે નહીં. આ યોજના એપ્રિલ 2023 થી માર્ચ 2025 સુધી ઉપલબ્ધ છે. એટલે કે માર્ચ 2025 પછી આ સ્કીમ બંધ થઈ જશે.
સરકાર આ યોજના 2023માં લાવી હતી
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વર્ષ 2023 ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય મહિલાઓને બચત તરફ પ્રોત્સાહિત કરવાનો છે. હાલમાં આ યોજનામાં વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજના મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. મળતી માહિતિ અનુસાર મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓએ અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ યોજનાઓમાંથી આવતા ભંડોળ ભવિષ્યમાં બંધ થઈ શકે છે, જેના કારણે સરકારને નાણાકીય વર્ષ 2025માં નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડના સંગ્રહમાં ઘટાડો કરવાની ફરજ પડી શકે છે.
આ યોજના બંધ કરવા પાછળનો તર્ક શું છે
જુલાઈમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2024-25માં NSSF કલેક્શન રૂ. 4.20 લાખ કરોડ હોવાનું અનુમાન લગાવ્યું હતું, જે વચગાળાના સંસ્કરણમાં રૂ. 4.67 લાખ કરોડ હતું. NSSF તરફથી ઓછી ડિપોઝિટનું એક મહત્વનું કારણ એ છે કે લોકો ઈક્વિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. જ્યાં તેમને આકર્ષક વળતર મળી રહ્યું છે. સરકાર તેની રાજકોષીય ખાધને બોન્ડ માર્કેટમાંથી ઉધાર, નાની બચતમાંથી આવક અને રોકડ બેલેન્સ રકમ દ્વારા પૂરી કરે છે. બજેટમાં સરકારે કુલ ઉધારમાં રૂ. 12,000 કરોડનો ઘટાડો કરીને રૂ. 14.01 લાખ કરોડ કર્યો છે, અને રાજકોષીય ખાધના લક્ષ્યાંકને 20 બેસિસ પોઈન્ટ્સથી ઘટાડીને 4.9 ટકા કર્યો છે.
યોજનાના રોકાણકારોને TDS કપાતમાંથી પણ મુક્તિ મળે છે
આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. તે માત્ર રોકાણ પર 7.5 ટકાનું સુંદર વ્યાજ આપે છે, પરંતુ તેને TDS કપાતમાંથી પણ મુક્તિ મળે છે.વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં TDS ત્યારે જ લાગુ થશે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 40 થી 50 હજાર રૂપિયા હોય.
ખાતું કોણ ખોલાવી શકે?
- 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરીઓ માટે એકાઉન્ટ ખોલાવી શકાય છે.
- ભારતમાં રહેતી કોઈપણ મહિલા રોકાણ કરી શકે છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરવું પડશે.
- 2 વર્ષ માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો બે વર્ષમાં વ્યાજની આવક રૂપિયા 32044 થશે.