અવારનવાર આપણે એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ખરાબ હવામાન ને લીધે, ટેકનિકલ ખામીને લીધે કે પછી અન્ય કોઈ કારણોસર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે પણ કોઈ ફ્લાઇટ કેન્સલ થાય છે, ત્યારે તેની અસર યાત્રિકોના સમયની સાથે સાથે એરલાઇન કંપનીના ખિસ્સાને પણ થાય છે, અને સાથે સાથે એરલાઇન કંપનીની છબીને પણ નુકસાન થાય છે.
ફ્લાઇટ રદ થવાથી એરલાઇનને થાય છે નુકસાન
એક સમય હતો જ્યારે વિમાનની મુસાફરી કરવી એ ખૂબ મોટી વાત કહેવાતી. પરંતુ હવે હવાઈ મુસાફરી કરવી એ સાવ સરળ અને સામાન્ય લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે. ઘણી વાર એરલાઇન કંપની નાના મોટા કારણોસર ફ્લાઇટ કેન્સલ કરતી હોય છે. જ્યારે પણ એરલાઇન કંપનીને ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે તેની સીધી અસર યાત્રિકો સાથે કંપનીને પણ થતી હોય છે. ફ્લાઇટ રદ થવાથી એરલાઇનને ઘણું નુકસાન થાય છે અને તેમને વધારાનો ખર્ચ પણ ભોગવવો પડતો હોય છે.
યાત્રિકોને વળતર ચૂકવવું પડે છે
છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર ફ્લાઇટ્સ રદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગઇકાલે માત્ર 24 કલાકના સમયમાં એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ્સ વિવિધ કારણોસર રદ થઈ હતી. ફ્લાઇટ રદ કરતાની સાથે જ, યાત્રિકોને રિફંડ આપવું પડે છે, અથવા બીજી ફ્લાઇટમાં મુસાફરોને સીટની વ્યવસ્થા કરી આપવી પડતી હોય છે. ઘણી વખત કંપનીઓને યાત્રિકોની માંગણી પર વળતર તરીકે રહેવા ખાવાની વ્યવસ્થા અને પરિવહનની વ્યવસ્થા પણ કરી આપવી પડે છે. આ બધા માટે જે તે કંપનીને વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. ભારતમાં DGCAના નિયમો અનુસાર, જો એરલાઇન ફ્લાઇટ રદ કરે છે અને 24 કલાક અગાઉ તેની જાણ ન કરે, તો તેણે મુસાફરને સંપૂર્ણ રિફંડ આપવું પડે છે. આ સાથે, વળતર પણ આપવું પડી શકે છે.
ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સ્લોટનું નુકસાન
જ્યારે પણ એરલાઇન કંપનીને ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને પણ નુકસાન ભોગવવું પડતું હોય છે. જેમકે પાઇલટ્સ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ અને ટેકનિકલ ટીમને પણ આ નુકસાનની ચુકવણી કરવી પડે છે. આ ઉપરાંત, જ્યારે પણ ફ્લાઇટ કેન્સલ થાય છે ત્યારે મેનેજમેન્ટ શિફ્ટનું સમયપત્રક ખોરવાઈ જાય છે, જે આગામી ફ્લાઇટ્સને પણ અસર કરે છે. એરલાઇન્સ કંપનીને આ નુક્શાનને પહોંચી વળવા માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે.