15 ઓગસ્ટ 2025 એટલે કે સ્વતંત્રતા દિવસ (Independence Day) ને હવે થોડા જ દિવસો બાકી છે. આ રાષ્ટ્રીય તહેવાર પર, દેશભરમાં લોકો ત્રિરંગો ફરકાવીને પોતાનો દેશભક્તિનો ઉત્સાહ દર્શાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ ત્રિરંગો ફરકાવવા માટે કડક નિયમો છે? ખાસ કરીને, લોકોના મનમાં રાત્રે ત્રિરંગો ફરકાવવા અંગે ઘણા સવાલો છે. જાણો કે રાત્રે છત પર ત્રિરંગો ફરકાવી શકાય છે? જો હા, તો તેના નિયમો શું છે.
રાત્રે ત્રિરંગો ફરકાવવાના નિયમો
2022માં ભારતીય ધ્વજ સંહિતા 2002માં સુધારા બાદ, નાગરિકોને રાત્રે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે. પહેલા નિયમ હતો કે ત્રિરંગો ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાય છે. અહીં એ નોંધનીય છે કે રાત્રે ત્રિરંગો ફરકાવવા માટે યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા હોવી જોઈએ, જેથી ધ્વજ સ્પષ્ટ દેખાય અને તેની ગરિમા જળવાઈ રહે.
ત્રિરંગો ફરકાવવાના અન્ય નિયમો
- ત્રિરંગો હંમેશા ઉપર કેસરી રંગ અને નીચે લીલો રંગ રાખીને ફરકાવવો જોઈએ. તેને ઊંધો ફરકાવવો એ અપમાન માનવામાં આવે છે.
- ધ્વજ ફાટેલો, ગંદો કે ઝાંખો ન હોવો જોઈએ.
- તેને જમીન પર મૂકવામાં આવતું નથી કે નમન કરવામાં આવતું નથી.
- ત્રિરંગો હંમેશા અન્ય ધ્વજ કરતા ઊંચો રાખવો જોઈએ.
- છત પર ત્રિરંગો ફરકાવતી વખતે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે આદરણીય સ્થાન પર હોવો જોઈએ અને હવામાં મુક્તપણે લહેરાતો હોવો જોઈએ.
- ત્રિરંગાનો ઉપયોગ શણગાર, પડદા કે કપડાં તરીકે કરી શકાતો નથી.
- આ સિવાય ધ્વજને પાણીમાં ડુબાડવો જોઈએ નહીં.
ભારતીય ધ્વજમાં રહેલા રંગો શું દર્શાવે છે?
ભારતીય ધ્વજમાં ભગવો રંગ શક્તિનું દર્શાવે છે. સફેદ રંગ શાંતિ દર્શાવે છે જ્યારે લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિનું દર્શાવે છે. ત્રિરંગાની મધ્યમાં આવેલું અશોક ચક્ર જીવનની સતત ગતિશીલતાનું પ્રતીક છે.