કટોકટીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ સુધી સમયસર અને સરળતાથી મદદ પહોંચી રહે એ માટે ભારત સરકાર તરફથી અલગ અલગ વિભાગ માટે કામ કરતાં અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેની મદદથી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવા નંબર ખુબજ મદદરૂપ સાબિત થાય છે.
1930: સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેર વર્તણૂક ફરિયાદ માટે
તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય છે અથવા તો ઓનલાઈન કોઈ વ્યક્તિ તમારી સાથે કોઈ પણ ઓરકારની ગેર વર્તણૂક કરે છે તો આ નંબર પર ફરિયાદ કરી શકો છો. આજના યુગમાં સાયબર ક્રાઈમની ઘણી ઘટનાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં, તમારા ફોનમાં આ નંબર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી તમને તાત્કાલિક મદદ મળી શકે.
1064:સરકારી ઓફિસમાં કોઇ લાંચ માંગે તો ફરિયાદ માટે
સરકારી કચેરીમાં કોઈ સરકારી કર્મચારી તમને હેરાન કરે છે , તમારું કામ કરવામાં આનાકાની કરે છે કે પછી તમારી પાસે લાંચ માંગે છે તો આ નંબર પર ફરિયાદ કરી શકો છો. આ ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર છે. જો તમે કોઈ સરકારી કાર્યાલયમાં કોઈ કામ કરાવવા જઈ રહ્યા છો તો આ નંબર અવશ્ય તમારા ફોનમાં હોવો જોઈએ.
1033: નેશનલ હાઈવે પર આકસ્મિક મદદ મેળવવા માટે
તમે નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ સમસ્યા થાય છે , વાહન ખરાબ થઈ જાય છે , પેટ્રોલ-ડીઝલ ખૂટી જાય છે કે અકસ્માતના કિસ્સામાં તમે આ નંબર પર કોલ કરીને મદદ લઈ શકો છો.
1915:ખરીદી દરમિયાન કોઈ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ માટે
શોપિંગ મોલમાં કોઈ વ્યક્તિ કે દુકાનદાર તમને કોઈ વસ્તુ આપવામાં આનાકાની કરે છે અથવા તો સામાન આપવામાં છેતરપિંડી કરે છે તો આ નંબર પર કોલ કરીને કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં તમારી ફરિયાદ કરી શકો છો. આ નંબર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનનો છે. ખરીદી દરમિયાન જો તમારા સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ રહી હોય તો આ નંબર ઉપયોગી સાબિત થઈ શકે છે.