તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા આવકવેરા કાયદા, 2025 હેઠળ સરકારને સામાન્ય નાગરિકોના ફોન કોલ્સ, મેસેજીસ, E-Mail અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવાની છૂટ મળી ગઈ છે. ખાસ કરીને “Indian Tech Guide” (@IndianTechGuide) નામના હેન્ડલને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગને હવે નિયમિત તપાસ દરમિયાન પણ વ્યક્તિગત ડિજિટલ ડેટા તપાસવાનો અધિકાર મળશે. આવી વાતો સાંભળીને સામાન્ય કરદાતાઓમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ સીધો ગોપનીયતાના અધિકાર સાથે જોડાયેલ મુદ્દો છે.
સરકારની સ્પષ્ટા
તમને જણાવી દઈએ કે સરકારે આનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે આ તમામ દાવા ખોટા છે. આ વાયરલ દાવાની હકીકત તપાસવા માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) આગળ આવ્યું છે. PIBએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સરકાર કે આવકવેરા વિભાગને સામાન્ય નાગરિકોના ફોન, મેસેજીસ કે સોશિયલ મીડિયા પર મનમાની તપાસ કરવાની કોઈ સત્તા આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ફરતી માહિતી ભ્રામક, અધૂરી અને સંદર્ભ વિના રજૂ કરાયેલી છે. આ દાવામાં નવા કાયદાનો અર્થ ખોટી રીતે સમજાવવામાં આવ્યો છે અર્થાત્, સામાન્ય કરદાતાઓ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
કલમ 247 શું કહે છે? સાચો અર્થ સમજો
આ સમગ્ર વિવાદનું મૂળ આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 247 છે. PIB મુજબ, આ કલમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. વાસ્તવિકતા એ છે કે,' કલમ 247 ફક્ત સર્ચ અને સીઝર (દરોડા) ઓપરેશન દરમિયાન જ લાગુ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે મોટી કરચોરીના મજબૂત પુરાવા હોય અને આવકવેરા વિભાગ દ્વારા કાયદેસર દરોડાની કાર્યવાહી ચાલી રહી હોય તો માત્ર આવી પરિસ્થિતિમાં જ અધિકારીઓને સંબંધિત ડિજિટલ ડેટા (જેમ કે ઈમેઇલ્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ) તપાસવાની મંજૂરી મળે છે. સામાન્ય કરદાતાઓની ગોપનીયતા સંપૂર્ણ સુરક્ષિત છે.
PIBએ ફરીથી સ્પષ્ટ કર્યું છે કે
આ નિયમ નિયમિત તપાસ, રિટર્ન ચકાસણી અથવા સામાન્ય કરદાતાઓ પર લાગુ પડતો નથી. સરકારનો ઉદ્દેશ્ય ફક્ત મોટી કરચોરી અટકાવવાનો છે, ન કે દરેક નાગરિક પર નજર રાખવાનો અટલ છે કે જ્યાં સુધી કોઈ ગંભીર ગેરરીતિ સાબિત ન થાય, ત્યાં સુધી સરકાર તમારા અંગત ડિજિટલ જીવનમાં દખલ કરી શકતી નથી. સોશિયલ મીડિયા પર ફરતી વાતો સંપૂર્ણ સત્ય નથી. સરકાર કે આવકવેરા વિભાગને તમારા ફોન કોલ્સ, મેસેજીસ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સામાન્ય રીતે તપાસ કરવાની કોઈ છૂટ આપવામાં આવી નથી. નવા આવકવેરા નિયમો ફક્ત ચોક્કસ, ગંભીર અને કાયદેસર પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે.
આ પણ વાંચો : Knowledge: ઈરાન સામે નવું કુદરતી સંકટ? 7 લાખ વર્ષોથી શાંત રહેલો તફ્તાન જ્વાળામુખી ફરી થઇ શકે છે જાગૃત