આધુનિક યુદ્ધોમાં જીત અને હારનો ફેંસલો હવે માત્ર જમીન પર જ નહીં, પરંતુ સંરક્ષણ બજેટના મસમોટા બિલો દ્વારા પણ થાય છે. 2026માં ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય તણાવે અમેરિકાની એ ધારણાને તોડી નાખી છે કે તે ઓછા નુકસાનમાં દુશ્મનને કાબૂમાં કરી લેશે. 2,000 કરોડ રૂપિયાના એક સિંગલ ડ્રોનથી લઈને અત્યાધુનિક રડાર પ્રણાલીઓ સુધી, અમેરિકાને આ જંગમાં જે કિંમત ચૂકવવી પડી રહી છે, તે તેના સૈન્ય ઈતિહાસના સૌથી મોંઘા પ્રકરણોમાંનું એક બની રહી છે.


અબજો ડોલરનો સૈન્ય સામાન ખાખ

ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકાને સૌથી મોટો ફટકો તેના હવાઈ કાફલાને લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, માર્ચ અને એપ્રિલ 2026ની વચ્ચે જ અમેરિકાએ અબજો ડોલરની કિંમતના સૈન્ય વિમાનો અને ડ્રોન ગુમાવ્યા છે. જેમાં F-15E સ્ટ્રાઈક ઈગલ, A-10 થન્ડરબોલ્ટ અને અત્યાધુનિક F-35 લાઈટનિંગ II જેવા વિમાનો સામેલ છે. એક-એક ફાઈટર જેટની કિંમત કરોડોમાં હોય છે, અને તે તબાહ થવાથી માત્ર નાણાકીય નુકસાન જ નથી થયું, પરંતુ અમેરિકી વાયુસેનાની 'અજેય' છબીને પણ ઠેસ પહોંચી છે.

ડ્રોન કાફલાની કમર તૂટી

આ યુદ્ધની સૌથી ચોંકાવનારી બાબત અમેરિકી ડ્રોનનું મોટા પાયે નાશ પામવું છે. માત્ર એપ્રિલના શરૂઆતના અઠવાડિયામાં જ અમેરિકાએ 24 'MQ-9 રીપર' ડ્રોન ગુમાવ્યા છે, જેની કુલ કિંમત 6,000 કરોડ રૂપિયા (720 મિલિયન ડોલર) થી વધુ છે. આ ઉપરાંત, લગભગ 2,000 કરોડ રૂપિયાનું 'MQ-4C ટ્રાઈટન' ડ્રોન પર્શિયન ગલ્ફમાં ક્રેશ થયું હતું. આ ડ્રોન એટલું મોંઘું છે કે તેની કિંમતમાં બે F-35 લડાકુ વિમાનો ખરીદી શકાયા હોત.

રડાર અને ડિફેન્સ સિસ્ટમ પર હુમલો

ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાએ અમેરિકી સુરક્ષા કવચમાં ગાબડું પાડ્યું છે. યુદ્ધ દરમિયાન ઈરાને THAAD જેવી અદ્યતન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના રડાર અને AN/TPY-2 જેવા અર્લી વોર્નિંગ રડારને નિશાન બનાવ્યા છે. આ સિસ્ટમોને ફરીથી સ્થાપિત કરવી અત્યંત ખર્ચાળ છે અને તેમાં લાંબો સમય પણ લાગે છે, જેના કારણે ખાડી દેશોમાં અમેરિકી બેઝ અસુરક્ષિત બન્યા છે.

તિજોરી પર 200 બિલિયન ડોલરનો વધારાનો બોજ

યુદ્ધના વધતા ખર્ચને કારણે અમેરિકી સરકારની ચિંતા વધી છે. રિપોર્ટ્સ મુજબ, પેન્ટાગોને આ સૈન્ય અભિયાન માટે પહેલાથી જ 18 બિલિયન ડોલર ખર્ચ્યા હતા. સ્થિતિની ગંભીરતાને જોઈને સંરક્ષણ વિભાગે સંસદ પાસે 200 બિલિયન ડોલર (લગભગ 16.7 લાખ કરોડ રૂપિયા) ના વધારાના ફંડની માંગ કરી છે. આ જંગી રકમ સીધી રીતે અમેરિકી કરદાતાઓના ખિસ્સા પર બોજ નાખશે.

તેલની કિંમતો અને વૈશ્વિક વેપારમાં હલચલ

માત્ર સૈન્ય સ્તરે જ નહીં, પણ આર્થિક મોરચે પણ અમેરિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે. કાચું તેલ 120 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જેનાથી અમેરિકામાં ઈંધણની કિંમતો વધી છે અને મોંઘવારીમાં વધારો થયો છે.

સૈનિકોની જાનહાનિ

હથિયારો અને પૈસાના નુકસાનની સાથે અમેરિકાએ પોતાના સૈનિકોની શહાદતનો ગમ પણ સહન કરવો પડી રહ્યો છે. સત્તાવાર રિપોર્ટ મુજબ, આ જંગમાં અત્યાર સુધીમાં 15 અમેરિકી સૈનિકોના મોત થયા છે અને 500 થી વધુ ઘાયલ થયા છે. સૈનિકોની જાનહાનિ એ કોઈપણ દેશ માટે સૌથી મોટું અને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન છે.

30 અબજ ડોલરનો ભારે નાણાકીય ફટકો

ANI ના એક પોડકાસ્ટ દરમિયાન, ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ સંજીવ કપૂરે અમેરિકાને થયેલા નુકસાનનો અંદાજ રજૂ કર્યો હતો. તેમના આકલન મુજબ, આ સમગ્ર સંઘર્ષમાં અમેરિકાને લગભગ 30 અબજ ડોલર (ભારતીય ચલણમાં આશરે 2,51,000 કરોડ રૂપિયા) નું નુકસાન વેઠવું પડ્યું છે. આ રકમ એટલી મોટી છે કે ઘણા નાના દેશોનું વાર્ષિક બજેટ પણ આના જેટલું હોતું નથી.

આ પણ વાંચો- Rental Wife : આ દેશમાં ભાડે મળે છે પત્નીઓ! ભારતીયોનું સૌથી મનપસંદ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે આ જગ્યા!

  • Follow us on: