હવે વધતી ગરમી વચ્ચે હવામાનને લગતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જેવા શબ્દો વાંચવા કે સાંભળવા મળશે. હવામાન ખાતા દ્વારા ઠંડી, ગરમી અને વરસાદની સીઝનમાં વિવિધ પ્રકારનાં એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ હોય છે. લોકોને સાવધાન કરવા માટે થઈને આ એલર્ટ આપવામાં આવે છે. આ કલર એલર્ટને આધારે લોકોને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે જાણવા મળે છે. ભારતમાં ખાસ કરીને ગરમી અને વરસાદની મોસમમાં આ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે, કારણ કે ઠંડીથી વધારે ગરમી અને વરસાદ આપણને બેહાલ કરી નાખે છે. 


જાણો ઉનાળાના વિવિધ એલર્ટ વિશે

ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ હીટવેવની સ્થિતિને આધારે અપાય છે. ઉનાળામાં ભારતમાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધારે પહોંચી જાય છે. જો તાપમાન 45 ડિગ્રી હોય તો તેને હીટવેવ કહે છે અને તેનાથી પણ વધારે હોય તો તેને ગંભીર હીટવેવ કહે છે. સામાન્ય રીતે હીટવેવ ભારતના વિવિધ ભાગોમાં માર્ચથી જૂનની વચ્ચે આવે છે અને ક્યારેક તે જુલાઈ સુધી પણ ચાલી શકે છે.

યલો એલર્ટનો અર્થ જાણો

યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હીટવેવ 2 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યેલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે.

જાણો ઓરેન્જ એલર્ટ વિશે

ઓરેન્જ એલર્ટનો અર્થ થાય છે – `હવે સતર્ક રહો’. ઓરેન્જ એલર્ટમાં 43.1થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ બે દિવસથી વધારે ચાલે છે. ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બપોરના સમયે ઘરબહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

રેડ એલર્ટ શું સૂચવે છે?

ઉનાળામાં રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ છ દિવસથી પણ વધારે રહે. 45 કે તેથી વધુ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઈ શકે છે. તેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું જોઇએ.


  • Follow us on: