- મેથીના ઘરગથ્થુ ઉપચારથી વાળની કરો માવજત
- ફોલિક એસિડ, પોટેશિયમ સહિત અનેક પોષકતત્વોથી ભરપૂર
- મેથીનું હેર માસ્ક ખરતા વાળ અટકાવશે
તમે મેથીના દાણાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. તેને સામાન્ય રીતે સ્વાસ્થ્યપ્રદ આહાર તરીકે ઓળખવામાં આવે છે. ભોજનમાં એક ઉપચારકની ભૂમિકામાં મેથીના અનેક ફાયદાઓ વિશે આયુર્વેદમાં પણ વર્ણન જોવા મળે છે. હવે જાણી લો તેને વાળમાં લગાવવાની રીત, વાળનો ગ્રોથ શરૂ થઈ જશે. વાળને કુદરતી રીતે વધારવા અને પોષણ આપવા માટે મેથીના દાણાનો હેર માસ્ક લગાવી શકાય છે.
પોષકતત્વોથી ભરપૂર મેથી
મેથીના દાણા આપણા રસોડામાં નવી વાત નથી. આ દાણાનો ઉપયોગ લાંબા સમયથી મસાલા તરીકે કરવામાં આવે છે. પરંતુ, આજકાલ તેના અલગ-અલગ ફાયદા વિશે દરરોજ સાંભળવા મળે છે. મેથી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીના દાણાને વાળમાં અલગ-અલગ રીતે લગાવી શકાય છે. ફોલિક એસિડ, વિટામિન A, C અને K, પોટેશિયમ, આયર્ન, એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર મેથીના દાણા વાળના વિકાસ માટે, ખરતા અટકાવવા અને વાળને મજબૂત કરવા માટે વાપરી શકાય છે. અહીં જાણો કઈ રીતે મેથીના દાણા વાળ પર લગાવી શકાય છે.
વાળમાં મેથીના દાણા કેવી રીતે લગાવવા
મેથીના દાણાનો ઉપયોગ વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા, વાળ ખરતા અટકાવવા, વાળના વિકાસ માટે અને વાળને જાડા, ઘટ્ટ અને સુંદર બનાવવા માટે કરી શકાય છે. મેથીના દાણા માથા ઉપરની ચામડીને બળતરા વિરોધી, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિફંગલ ગુણધર્મો પણ પ્રદાન કરે છે. તમે આ દાણાને વાળમાં ઘણી રીતે લગાવીને તેનો ફાયદો ઉઠાવી શકો છો.
પાતળા વાળ માટે
પાતળા વાળમાં મેથીના દાણા લગાવવા માટે અડધો કપ નાળિયેર તેલમાં 2 ચમચી મેથીના દાણા નાખીને તેને પકાવો. હવે તમારું મેથીનું તેલ તૈયાર થઈ જશે. આ તેલને વાળના મૂળથી છેડા સુધી લગાવી શકાય છે. તેનાથી વાળ જાડા અને મજબૂત બને છે.
વાળ ખરતા અટકાવવા માટે
જો તમારા વાળ સતત ખરતા હોય અને તમે તેનાથી પરેશાન હોવ તો 2 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ દાણાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ મેથીની પેસ્ટને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રાખો અને પછી વાળ ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 દિવસ અજમાવી શકાય છે.
સુકા વાળને નરમ કરવામાં અસરકારક
મેથીના દાણાનો હેર માસ્ક સુકા વાળને નરમ કરવામાં પણ અસરકારક છે. એક બાઉલમાં 2 ચમચી દહીં લો અને મેથીના દાણાને પીસીને ઉમેરો. તમારે દહીંમાં માત્ર એક ચમચી મેથીનો પાવડર ઉમેરવાનો છે. તેમાં એક ચમચી નારિયેળ તેલ પણ ઉમેરો. આ હેર માસ્કને અડધા કલાક સુધી માથા પર લગાવો અને પછી તેને ધોઈ લો. વાળ સ્પર્શ કરવાથી નરમ લાગશે.
ડેન્ડ્રફ થશે દૂર
મેથીના દાણાને લીંબુના રસમાં પીસીને વાળમાં 20 થી 25 મિનિટ સુધી લગાવો અને પછી વાળ ધોઈ લો. આ હેર માસ્ક સાથે, માથા ઉપરની ચામડીમાંથી ડેન્ડ્રફ અને બિલ્ડ-અપ બંને દૂર થાય છે.
અસ્વીકરણ
આ ઉપાય સલાહ સહિતની ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. સંદેશ આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.