• લુક્લા નેપાળનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ
  • સિમીકોટ એરપોર્ટ નેપાળનું એકમાત્ર એરપોર્ટ, જે નેશનલ રોડ નેટવર્ક સાથે જોડાયેલું નથી
  • ડોલ્પા એરપોર્ટ 2,499 મીટરની ઉંચાઈએ

નેપાળ એક ખૂબ જ સુંદર દેશ છે જે તેના ઊંચા અને સુંદર પર્વતો માટે જાણીતો છે. એટલું જ નહીં નેપાળ તેના સૌથી ખતરનાક એરપોર્ટ માટે પણ જાણીતું છે. અહીં એરપોર્ટ એવી જગ્યાઓ પર છે જ્યાં લેન્ડિંગ વખતે લોકોના શ્વાસ અટકી જાય છે. નેપાળના આ તમામ એરપોર્ટ એટલી ઉંચાઈ પર સ્થિત છે કે લોકો તેમના વિશે વિચારીને જ ડરી જાય છે. નેપાળ ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલો દેશ છે. અહીંના કેટલાક એરપોર્ટ પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક એરપોર્ટ એવા પણ છે જે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે અને કોઈપણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે ફ્લાઈંગ અને લેન્ડિંગ અત્યંત જોખમી સાબિત થાય છે. જેના કારણે આ વિસ્તારોમાં માત્ર અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા પાયલટોને જ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવે છે. આ સિવાય તમામ એરપોર્ટના રનવે પણ ઘણા ટૂંકા છે, જેના કારણે અહીંથી ટેક ઓફ અને લેન્ડિંગ ખૂબ જ પડકારજનક સાબિત થાય છે.

પોખરા એરપોર્ટ

પોખરા એરપોર્ટ નેપાળનું સૌથી ખતરનાક એરપોર્ટ પણ માનવામાં આવે છે. આ એરપોર્ટ આ વર્ષે 1 જાન્યુઆરી 2023ના રોજ ખોલવામાં આવ્યું છે. રવિવારે 15 જાન્યુઆરી 2023 ના રોજ પોખરા એરપોર્ટ પાસે એક મોટી વિમાન દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ, યેતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું કે લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ ક્રેશ થઈ ગયું. નેપાળી મીડિયા અનુસાર આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો.

લુકલા એરપોર્ટ

લુક્લા નેપાળનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ છે. લુક્લા એરપોર્ટને તેનઝિંગ હિલેરી એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ ખતરનાક હોવાને કારણે તે ખૂબ જ પ્રખ્યાત એરપોર્ટ પણ છે. આ એરપોર્ટ માઉન્ટ એવરેસ્ટની સૌથી નજીક આવેલું છે. આવી સ્થિતિમાં જે લોકો ટ્રેકિંગ વિના માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવા માગે છે તેઓ આ એરપોર્ટથી સીધા હિમાલય પહોંચી શકે છે. આ એરપોર્ટથી કાઠમંડુ સુધીની દૈનિક ફ્લાઈટ્સ ચાલે છે. પરંતુ ખરાબ હવામાન, વાદળછાયું અથવા ખૂબ પવનના કિસ્સામાં, આ એરપોર્ટ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવે છે અને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવે છે. આ રનવેની આસપાસ 600 મીટર ઊંડો ખાડો છે.

સિમીકોટ એરપોર્ટ (હુમલા એરપોર્ટ)

સિમીકોટ એરપોર્ટ નેપાળનું એકમાત્ર એરપોર્ટ છે જે નેશનલ રોડ નેટવર્ક સાથે જોડાયેલું નથી. એરપોર્ટ 4,300 મીટર (14,100 ફૂટ) ની ઉંચાઈ પર આવેલું છે અને પશ્ચિમ નેપાળમાં ડોલ્પા જિલ્લામાં મુસાફરી કરતા લોકો માટે પ્રવેશ બિંદુ તરીકે સેવા આપે છે. કોઈપણ મોટા શહેર અથવા નગરથી દૂર હોવાને કારણે તે નેપાળના સૌથી ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે. આ એરપોર્ટને હુમલા એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એરપોર્ટ પર ખૂબ જ ઓછી સુવિધાઓ ઉપલબ્ધ છે.

તાલચા એરપોર્ટ (મુગુ એરપોર્ટ)

તાલચા એરપોર્ટ નેપાળના મુગુ જિલ્લાના રારા નેશનલ પાર્કમાં સ્થિત નેપાળનું સૌથી ખતરનાક એરપોર્ટ છે. આ એરપોર્ટ 2,735 મીટરની ઉંચાઈ પર આવેલું છે અને અહીં મોટાભાગે બરફ રહે છે, જેના કારણે એરક્રાફ્ટ લપસી જવાનો, ઠંડીમાં એન્જિન બંધ થવાનો તેમજ ફ્લાઈટ દરમિયાન અન્ય અનેક પ્રકારના અકસ્માતોનો ભય રહે છે.

મુસ્તાંગ એરપોર્ટ

મુસ્તાંગ એરપોર્ટ નેપાળના ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે. એરપોર્ટ મુસ્તાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર છે જેમાં જોમસોમ, કાગબેની, તાંગબે, લો મંથાંગ અને મુક્તિનાથ મંદિર (નેપાળીઓ અને ભારતીયો માટે લોકપ્રિય તીર્થસ્થાન કેન્દ્ર)નો સમાવેશ થાય છે. તે સમુદ્ર સપાટીથી 2,736 મીટર (8,976 ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. હવામાન સ્વચ્છ હોય ત્યારે આ એરપોર્ટ પરથી દરરોજ ફ્લાઈટ્સ ઉડે છે, પરંતુ હવામાનમાં ફેરફાર અને ભારે પવનને કારણે આ એરપોર્ટ બંધ રહે છે અને ફ્લાઈટ્સ મોડી પડે છે. સવારે આ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ જોરદાર પવન ફૂંકાય છે. આ સિવાય આ એરપોર્ટ પર સમગ્ર વર્ષ દરમિયાન વિઝિબિલિટી ઘણી ઓછી રહે છે.

ડોલ્પા એરપોર્ટ

ડોલ્પા એરપોર્ટ જેને જુફાલ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નેપાળના સૌથી ખતરનાક એરપોર્ટ પૈકીનું એક છે. આ એરપોર્ટ 2,499 મીટર (8,200 ફૂટ)ની ઉંચાઈ પર આવેલું છે. આ એરપોર્ટ નેપાળના ડોલ્પા જિલ્લામાં છે.

  • Follow us on: