- દવાને બદલે ગુણકારી ઓટ્સનો કરો પ્રયોગ
- ખાસ રીતે ઉપયોગ કરવાથી મળશે પરફેક્ટ રીઝલ્ટ
- ઓટ્સને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવીને લોટમાં મિક્સ કરો
આજના સમયમાં કબજિયાત એક એવી સમસ્યા બની ગઈ છે જેનો મોટાભાગે લોકો સામનો કરી રહ્યા છે. ઘણીવાર લોકો કબજિયાતથી પીડાય છે અને સાથે જ કેટલાક લોકો કામના ભારણમાં તેની અવગણના કરે છે. પરંતુ જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે અને તે ક્રોનિક થઈ જાય તો તે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે.
જાણો શું છે કબજિયાતની સમસ્યાના કારણો
આ સમસ્યાના અનેક કારણો છે. જેમાં ખોટી ખાનપાનની રીત, ખરાબ જીવનશૈલી, ઓછું પાણી પીવું અને તણાવ પણ મુખ્ય કારણો હોઈ શકે છે. કબજિયાતના કિસ્સામાં મળ સખત થઈ જાય છે અને પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. જેના કારણે પેટ હંમેશા ભરેલું લાગે છે. કબજિયાતને કારણે પેટનું ફૂલવું, પેટમાં દુઃખાવો, ખાટા ઓડકાર અને ઉબકા આવવા જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન બંધ કર્યા બાદ આ સમસ્યા ફરી થવા લાગે છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઈ શકો છો. આજે અમે તમારા માટે એક એવો ઘરેલું ઉપાય લાવ્યા છીએ જે આ સમસ્યાને મૂળથી દૂર કરવામાં મદદ કરી શકે છે.
કઈ વસ્તુને લોટમાં મિક્સ કરશો
કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તમારે રોટલી બનાવતા પહેલા લોટમાં એક વસ્તુ મિક્સ કરવી પડશે. ઓટ્સને લોટમાં ભેળવીને રોટલી બનાવીને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ માટે ઓટ્સને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લો. પછી આ પાઉડરને ઘઉંના લોટમાં મિક્સ કરી લો. ઓટ્સમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી આ લોટથી બનેલી રોટલીનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.
ઓટ્સ કબજિયાતને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે
ઓટ્સમાં ફાઈબર, વિટામિન બી, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તે મળને નરમ કરવામાં મદદ કરે છે, જે પેટને સરળતાથી સાફ કરે છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં બીટા ગ્લુકેન હોય છે, જેના સેવનથી આંતરડાને સાફ થવામાં મદદ મળી રહે છે. આનાથી કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.