મકર સંક્રાંતિના પર્વ પર આણંદ જિલ્લામાં પતંગની દોરી રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. આજે આણંદના જીટોડીયાથી મોગરી જતા મુખ્ય માર્ગ પર એક યુવક પતંગની ધારદાર દોરીનો શિકાર બન્યો છે. ચાલકનું ગળું કપાઈ જતાં રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


ગળાના ભાગે ગંભીર ઈજા

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક યુવક પોતાના ટુ-વ્હીલર પર જીટોડીયાથી મોગરી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક આકાશમાંથી લટકતી પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી કાતિલ હતી કે યુવક કંઈ સમજે તે પહેલા જ તેના ગળાના ભાગે મોટો ઘા પડી ગયો હતો અને લોહીની ધારાઓ વહેવા લાગી હતી.

108 અને કરમસદ હોસ્પિટલની મદદ

ઘટનાને પગલે રાહદારીઓ તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફ દ્વારા યુવકને પ્રાથમિક સારવાર આપી લોહી વહેતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ઈજા ગંભીર હોવાને કારણે યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

વાહનચાલકો માટે સાવચેતીની અપીલ

ઉત્તરાયણ પર્વ નિમિત્તે આણંદના વિવિધ માર્ગો પર પતંગની દોરીથી ગળું કપાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોલીસ અને તંત્ર દ્વારા વાહનચાલકોને ગળામાં પટ્ટો બાંધવા અથવા હેલ્મેટ પહેરીને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. જીટોડીયા-મોગરી રોડ પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Anand: કૃષિ યુનિ.ના વિવાદિત VCની વિદાયના ભણકારા



  • Follow us on: