સંસ્કારી નગરી વડોદરામાં મકર સંક્રાંતિના દિવસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતંગ પકડવાની લાલચ એક યુવક માટે કાળ સાબિત થઈ છે. વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાં કપાયેલી પતંગ પકડવા જતાં એક 33 વર્ષીય યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પતંગ પકડવા જતાં વીજ વાયર અડી ગયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, 33 વર્ષીય શંકર રાઠવા નામનો યુવક આકાશમાંથી કપાઈને આવતી પતંગ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવકનું ધ્યાન ન રહેતા તેનો હાથ અથવા પતંગ પકડવા માટેનું સાધન જીવંત વીજ વાયરને અડી ગયું હતું. હાઈટેન્શન વાયરમાંથી જોરદાર વીજ કરંટ પસાર થતા યુવક જોરદાર ધડાકા સાથે જમીન પર પટકાયો હતો.
સારવાર દરમિયાન તોડ્યો દમ
ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક શંકર રાઠવાની વહારે આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા તેને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન શંકર રાઠવાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
વીજ કંપની અને પોલીસની અપીલ
આ ઘટનાને પગલે વડોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીજ કંપની અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે, વીજ વાયરો પાસે પતંગ ચગાવવી નહીં કે કપાયેલી પતંગ પકડવા માટે જોખમ ખેડવું નહીં. તેમ છતાં, આવી બેદરકારી દર વર્ષે અનેક નિર્દોષ લોકોના જીવ લે છે.
આ પણ વાંચો - Vadodara News: પતંગની દોરીથી 8 પક્ષીઓના મોત