- હેલ્થની સાથે ટેસ્ટમાં પણ રહેશે બેસ્ટ
- રવાના મસાલા ઢોંસા ચટણી, સોસ સાથે પીરસો
- બાળકોને આ નાસ્તો આવશે પસંદ
રવો એ દરેક ગૃહિણીઓ માટે એક એવી સામગ્રી છે જે સંકટ સમયે તેમને મદદ કરે છે. કારણ કે, જ્યારે કંઈ ના હોય અને ઝટપટ કોઈ વાનગી બનાવવી હોય તો રવામાંથી ચોક્કસ બની જાય છે. તમે તેમાંથી પૂડલા, ઢોંસા, ઈડલી પણ સરળતાથી બનાવી શકો છો. તો જાણો બ્રેકફાસ્ટમાં ફટાફટ રવા મસાલા ઢોંસા બનાવી શકાશે. આ ગરમાગરમ વાનગી બાળકોને પણ ભાવશે અને સાથે મોટેરાંઓ પણ તેનો સ્વાદ માણશે.
ઓનિયન રવા મસાલા ઢોંસા
સામગ્રી
-1/2 કપ રવો
-1/4 કપ ચોખાનો લોટ
-2 નંગ ડુંગળી સુધારેલી
-2 નંગ લીલા મરચાં સુધારેલા
-1/4 ઈંચના આદુંના ટુકડાની છીણ
-1/2 ટીસ્પૂન રાઈ
-1/4 ટીસ્પૂન જીરૂં વાટેલું
-2 ટીસ્પૂન તેલ
-2 ટીસ્પૂન કોથમીર સમારેલી
-1 ચપટી હિંગ
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં રવા અને ચોખાના લોટને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેમાં વાટેલું જીરૂં, રાઈ, મીઠું અને હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ ખીરાને હૂંફાળી જગ્યા પર ઢાંકીને છથી સાત કલાક માટે મૂકી દો. બીજી દિવસે તેમાં આથો આવી ગયો હશે. (જો તમે ઈન્સ્ટન્ટ ઢોંસા બનાવવા ઈચ્છો છો તો તમે આ ખીરામાં થોડું દહીં કે છાશ ઉમેરીને તેને હલાવી લો.) તેને બરાબર હલાવી લો. હવે એક નોન સ્ટિક તવાને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી તેલ ઉમેરીને ગ્રીસ કરી લો. હવે તેમાં તૈયાર કરેલા ખીરામાંથી એક ચમચો ઉમેરીને ઉત્તપમ જેવું પાથરો. હવે તેના પર ડુંગળી, મરચાં, આદું અને કોથમીર પાથરો. એક બાજુ ચઢી જાય એટલે બીજી બાજુ ફેરવી દો. બીજી બાજુ પણ લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. ગરમા-ગરમ ઓનિયન રવા મસાલાને ચટણી સાથે સર્વ કરો.