ઉનાળાની ગરમી વચ્ચે કયાંક વરસાદી ઝાપટાં જોવા મળે છે. આ મિશ્ર વાતાવરણના કારણે વધુ બફારો લાગતા લોકો રાહત મેળવવા માટે ઘરોમાં ACનો ઉપયોગ વધારી દે છે. પરંતુ ઘણીવાર એવી ફરિયાદ જોવા મળે છે કે કલાકો સુધી AC ચાલુ રાખવા છતાં રૂમ જોઈએ તેવો ઠંડો થતો નથી. ગરમી યથાવત રહે છે અને સાથે જ વીજળીનું બિલ પણ રોકેટ ગતિએ વધવા લાગે છે. મોટાભાગના લોકો ACમાં ખામી શોધવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી હોઈ શકે છે.


રૂમમાં એસીની ઠંડક ના થવા પાછળ સામાન્ય ભૂલો

હકીકતમાં, આપણી રોજિંદી કેટલીક નાની ભૂલો અને ઘરમાં રહેલા 'હીટ ટ્રેપ્સ' (ગરમી રોકી રાખતી જગ્યાઓ) રૂમનું તાપમાન સતત ઊંચું રાખે છે. આ નાની-નાની બાબતો પર ધ્યાન આપવાથી રૂમ લાંબા સમય સુધી ઠંડો રહેશે અને ખિસ્સા પરનો બોજ (લાઇટ બિલ) પણ ઓછો થશે. તમારી આ સામાન્ય ભૂલો ઓળખો જે એસીવાળા રૂમને ઠંડો થતા રોકે છે. 

આ સામાન્ય ભૂલો એસીની ઠંડક રોકે છે

બપોરના સમયે સીધો સૂર્યપ્રકાશ : ઘણા લોકો યોગ્ય વેન્ટિલેશનના નામે બપોરે પણ બારી-બારણાં ખુલ્લા રાખે છે. બપોરનો તીવ્ર સૂર્યપ્રકાશ બારીઓ અને કાચના માધ્યમથી રૂમને ભઠ્ઠી જેવો ગરમ કરી દે છે. આનાથી બચવા માટે ઉનાળામાં, ખાસ કરીને બપોરના સમયે, બારીઓ પર જાડા પડદા (Heavy Curtains) અથવા બ્લાઇંડ્સ લગાવીને રાખવા જોઈએ.

બારી-દરવાજાની નાની તિરાડો : જો રૂમના દરવાજા કે બારીઓની કિનારીઓમાં નાની તિરાડો કે ગેપ હશે, તો બહારની ગરમ હવા સતત અંદર આવતી રહેશે અને અંદરની ઠંડી હવા બહાર સરકી જશે. પરિણામે AC પર લોડ વધશે. આ ગાબડાંઓને પ્રોપર સીલિંગ કે વેધર સ્ટ્રિપિંગથી બંધ કરવા જરૂરી છે.

AC સાથે પંખો બંધ રાખવો : મોટાભાગના લોકો એવું માને છે કે AC ચાલુ હોય ત્યારે સીલિંગ ફેન (પંખો) બંધ રાખવો જોઈએ, જે તદ્દન ખોટું છે. વાસ્તવમાં, ઓછી સ્પીડ પર પંખો ચાલુ રાખવાથી ACની ઠંડી હવા આખા રૂમમાં સમાન રીતે અને ઝડપથી ફેલાય છે, જેનાથી કૂલિંગ ઇફેક્ટ વધુ સારી મળે છે.

ગંદા ફિલ્ટર્સ : જો ACના ફિલ્ટરમાં ધૂળ-માટી જમા થઈ ગઈ હોય, તો તે ઠંડી હવાનો પ્રવાહ (Airflow) રોકે છે. તેનાથી કૂલિંગ ઓછું થાય છે અને મશીન પર દબાણ વધતાં વીજળીનો વપરાશ ખૂબ વધી જાય છે. તેથી, ફિલ્ટરને નિયમિત અંતરે સાફ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

તાપમાન સીધું ૧૮ ડિગ્રી પર સેટ કરવું : ઘણા લોકો ગરમીમાંથી બહારથી આવીને તરત જ ACનું ટેમ્પરેચર ૧૮ ડિગ્રી પર સેટ કરી દે છે. નિષ્ણાતોના મતે, આનાથી રૂમ ઝડપથી ઠંડો થતો નથી, પરંતુ ACના કમ્પ્રેસર પર સતત લોડ રહે છે અને તે લાંબા સમય સુધી ચાલ્યા કરે છે. ઊર્જા અને પૈસાની બચત માટે ૨૪°C થી ૨૬°Cનું તાપમાન સૌથી બેસ્ટ અને આદર્શ માનવામાં આવે છે.


આ પણ વાંચો : Lifestyle: ભેળસેળવાળી હલ્દીથી દુલ્હનનું મોત, ઘરે બેઠા શુદ્ધતાની ચકાસણી કરો હળદર અસલી છે કે નકલી

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


  • Follow us on: