બ્રેઇન ટયુમરનું નામ સાંભળતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ જાય છે. સામાન્ય રીતે લોકો આ ગંભીર બીમારીને માત્ર અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા અથવા યાદશક્તિ નબળી પડવા જેવા લક્ષણો સાથે જ જોડે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આંખોમાં આવતા નાના ફેરફારો પણ આ જટિલ રોગની પ્રારંભિક નિશાની હોઈ શકે છે? આ ચિહ્નોને સમયસર ઓળખીને તાત્કાલિક તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.


યુવાનો અને બાળકોમાં બ્રેઇન ટયુમરનું જોખમ

ડોક્ટરના જણાવ્યા મુજબ આજકાલ બ્રેઈન ટ્યુમરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે આ રોગ માત્ર મોટી ઉંમરના લોકો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ૨૦ થી ૨૫ વર્ષના યુવાનો અને નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. તેમની ઓપીડી (OPD) માં રોજ આવા ૨ થી ૩ દર્દીઓ આવે છે. જો કે, સામાન્ય રીતે તેનું જોખમ ૫૦ થી ૬૦ વર્ષની વયના લોકોમાં વધુ રહે છે. મગજની ગાંઠના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, આંચકા આવવા અને વર્તનમાં ફેરફાર થવો સામેલ છે, પરંતુ આ સિવાય આંખો પર પણ તેની સીધી અસર પડે છે. આંખના આ લક્ષણોને ઓળખો.

આંખમાં દેખાતા આ લક્ષણો બ્રેઇન ટયુમરનો સંકેત

જો કોઈ વ્યક્તિને એક તરફ જોતી વખતે બધું ડબલ દેખાવા લાગે અથવા દ્રષ્ટિ ધીમે-ધીમે ઓછી થવા લાગે, તો તે ટ્યુમરનો સંકેત હોઈ શકે છે. મગજની હોર્મોન ગ્રંથિમાં થતી પિટ્યુટરી ગાંઠો આંખોની નસોની નજીક હોવાથી આવું થાય છે. જો ગાંઠ ઓપ્ટિક નર્વ (આંખની નસ) ની પાસે હોય, તો દર્દીની જોવાની ક્ષમતા આંશિક રીતે ઓછી થાય છે. આના કારણે ચાલતી વખતે એક બાજુએ અથડાવું કે ડ્રાઇવિંગ કરતી વખતે એક તરફથી આવતા વાહનો ન દેખાવા જેવી સમસ્યાઓ નડે છે. કેટલાક દર્દીઓમાં આંખોની આસપાસ કાળા કુંડાળા થવા અથવા ત્યાંની ત્વચાનો રંગ બદલાઈ જવાની સમસ્યા પણ જોવા મળે છે.

બ્રેઇન ટયુમર બીમારીમાં સારવાર અને સાવચેતી

બ્રેઈન ટ્યુમર કોઈ એક જ પ્રકારનો રોગ નથી, તે ઘણા પ્રકારના હોય છે અને દરેક ગાંઠની પ્રકૃતિ અલગ હોય છે. તેની સારવારમાં પ્રથમ અને સૌથી મહત્વનું પગલું સર્જરી દ્વારા ગાંઠને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું છે. ત્યારબાદ બાયોપ્સીના આધારે નક્કી કરાય છે કે દર્દીને કીમોથેરાપી કે રેડિયેશનની જરૂર પડશે કે નહીં અને ભવિષ્યમાં આ ગાંઠ ફરી થવાની શક્યતા કેટલી છે.


આ પણ વાંચો : International Picnic Day 2026: બાળકો સાથે પિકનિક પર જતા સમયે તમારી બેગમાં આ 5 વસ્તુઓ રાખવાનું ભૂલશો નહીં!

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: