વરસાદી સિઝનમાં દાળવડાં ખઈને કંટાળ્યા હોવ તો આ વાનગી જરૂર તમારા માટે છે. વરસાદમાં ચા સાથે દાળવડાં, બટાકવડાનું કોમ્બિનેશન હંમેશા જોવા મળ્યું છે. જો કે આ નવી વાનગી તમે નાસ્તા અને રાત્રિના ડિનરમાં પણ લઈ શકશો. ખાવાના શોખીનો માટે આ વાનગી સ્વાદનો ડબલ ડોઝ છે. આ સિઝનમાં લસણિયા બટાકા ભજીયાની વાનગી ખાશો તો પેટ ભરાશે પણ મન નહીં ભરાય.આ વાનગી બનાવવાની નોંધી લો સરળ રીત.


લસણિયા બટાકા ભજીયા બનાવવા માટે સામગ્રી : હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને તેલ તળવા માટે ઉપયોગમાં લેવું.

  • 1 કપ ચણાનો લોટ
  • 2 બટાકા (પાતળા ટુકડામાં કાપેલા, ગોળાકાર)
  • લસણની ચટણી માટે
  • 10થી 12 લસણની કળી
  • 1 લાલ મરચું પાવડર
  • 1 લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું

લસણિયા બટાકા ભજીયા બનાવવા માટેની રીત  : 

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ લસણની ચટણી બનાવી લો. આ માટે મિક્સરમાં લસણની કળી, લાલ મરચાંનો પાવડર, મીઠું, લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને સ્મૂધ ચટણી બનાવો. ચટણી તીખી અને જાડી હોવી જોઈએ.
  • ત્યારબાદ બટાકાની છાલ કાઢીને તેને પાતળા ગોળ ટુકડાઓમાં કાપો. જેથી તળતી વખતે કાચા ના રહે અને સારી રીતે ફ્રાય થઈ શકે.  હવે આ રીતે બીજા બટાકાની પણ આ રીતે સ્લાઈસ કરી દો. એક બટાકાનો ટુકડો લો, તેના પર લસણની ચટણી લગાવો અને તેના ઉપર બીજો બટાકાનો ટુકડો મૂકો. દરેક પકોડાને બે ટુકડા વચ્ચે ચટણી લગાવીને એ જ રીતે તૈયાર કરો.
  • હવે એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, અજમા અને મીઠું નાખી મસાલો કરો. આ બેટર ખૂબ પાતળું ના થાય તેનું ધ્યાન રાખો. નહીંતર તેલમાં નાની મમરી પડવા લાગશે. 
  • ખીરું તૈયાર કર્યા બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. અને પછી ચટણી ભરેલા બટાકાના ટુકડાને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં એક પછી એક નાખો.  આ લસણિયા બટાકાના ભજીયાને હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો અને પછી તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર થઈ ગયા ટેસ્ટી લસાનિયા બટાકા ભજીયા. આ વાનગીને તમે ગરમા ગરમ ચા અથવા કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.

  • Follow us on: