ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદની સાથે જ ખાવાના શોખીનોને મેથીના ગોટા અને દાળવડાં યાદ આવી જાય છે. વરસતા વરસાદમાં પણ લોકો આ નાસ્તા ખાવા લારીઓ પર લાંબી લાઈન જોવા મળે છે. વરસાદમાં ગોટા, ભજીયા અને વડા જેવા સાથે કોથમીર અને ફુદીનાની ચટણી ખાશો તો ભોજનના સ્વાદ બમણો થશે.


બનાવવાની છે ખૂબ સરળ રીત

વરસાદમાં વડા અને ભજીયા ખાવાનો આનંદ અનેરો છે. જો આ નાસ્તા સાથે કોથમીર-ફુદીનાની ચટણી (કોથમીર-ફુદીનાની ચટણી) ખાવામાં આવે તો ભોજનનો સ્વાદ બમણો થશે. આ ચટણી ફક્ત સ્વાદમાં વધારો કરતી નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ચટણીને ગુજરાતી ઘરોમાં થેપલાં અને પરોઠા જેવી વાનગીઓ સાથે પણ લોકો ખાતા હોય છે. આ ચટણી બનાવવા તમારે વધુ સામગ્રીની જરૂર નથી. તમે આ સરળ રીતે ચટણી બનાવશો તો વારંવાર પરિવારના લોકો તેની જ માગ કરશે. 

આ રીતે બનાવો કોથમીર-ફુદીનાનીની ચટણી

ચટણી બનાવવાની સામગ્રી

  • 1 ઝૂડી કોથમીર (લગભગ ૧ કપ -250 ગ્રામ)
  • 1 નાની ઝૂડી ફુદીનાના પાન (લગભગ 1/2 કપ - 100 ગ્રામ)
  • 2-3 લીલા મરચાં (સ્વાદ મુજબ)
  • આદુનો 1 નાનો ટુકડો
  • 1 નાનું લીંબુ (રસ કાઢેલું)
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી ખાંડ (વૈકલ્પિક)

ચટણી બનાવવાની રીત

આ ચટણી બનાવવા સૌપ્રથમ તમે કોથમીર અને ફુદીનાના પાનને સારી રીતે ધોઈ લો. આ લીલા પાંદડાને સ્વચ્છ પાણીથી સાફ કર્યા બાદ તેને ઝીણા સમારી લો. ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડરમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ, જીરું, મીઠું અને ખાંડ ઉમેરો. આ સામગ્રી નાખો ત્યારે જો તમે તેમાં લીંબુનો રસ ઉમેરશો તો ચટણી કાળી નહીં પડે. એટલે કે તેનો ઓરિજનલ ગ્રીન કલર જળવાઈ રહશે. આ મિશ્રણ ક્રશ કરવા જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરો અને તેને બારીક પીસી લો. ધ્યાન રાખો કે ચટણી ખૂબ પાતળી ના હોવી જોઈએ. પછી ચટણીને એક કાચના બાઉલમાં કાઢીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકો. આ ચટણીને તમે તમારા મનપસંદ ફરસાણ અને નાસ્તા સાથે ઉપયોગ કરી શકો છો. અત્યારે વરસાદની સિઝનમાં તમે ભજીયા, બટાકાવડા અને સમોસા સાથે આ ચટણીનો ઉપયોગ કરશો તો નાસ્તા વધુ સ્વાદિષ્ટ લાગશે. 

  • Follow us on: