વરસાદની સિઝનમાં વડા અને ભજીયા ખાવાનું બહુ મન થાય. વારંવાર સમોસા અને બટાકાવડા જેવા તળેલા ફરસાણ ખાઈને આરોગ્ય બગડે છે. વરસાદમાં પાણી ભરાવાના કારણે ગંદકી થાય છે. અને તેના કારણે બીમારીનું જોખમ વધુ રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને હેલ્ધી નાસ્તાની રેસીપી જણાવીશું. આ વાનગી બનાવવામાં વધુ પડતો સમય પણ નહી લાગે. ફક્ત 15 મિનિટમાં હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જશે.
ખાસ કરીને જ્યારે જોબ કરતી મહિલાઓ માટે આ વાનગી વરદાનરૂપ કહી શકાય. આ એવો નાસ્તો છે જે પરિવારના સભ્યોને સ્વાદનો આનંદ આપશે અને આરોગ્ય પણ સ્વસ્થ રાખશે. વરસાદી સિઝનમાં હોટલના અને લારી પરના ખોરાકના બદલે આ વાનગી જરૂર બાળકો સહિત મોટાઓને પસંદ આવશે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ નાસ્તો આપી શકો છો. આજના લેખમાં અમે તમને ઓટ્સ અને સોજીથી બનતા અપ્પેની રેસીપી જણાવીશું. આ અપ્પે બનાવવા બહુ સરળ છે. જાણો ઓટ્સ અને સોજીથી બનતા સ્વાદિષ્ટ અપ્પે બનાવવાની સરળ રીત.
ઓટ્સ અને સોજીના અપ્પે બનાવવા માટેની સામગ્રી:
અડધી ચમચી મિક્સ હર્બ્સ, અડધી ચમચી જીરું, અડધી ચમચી મરચાંના ટુકડા, સ્વાદ મુજબ મીઠું, 2 લીલા મરચાં, લીમડો, રાઈના દાણા, હળદર પાવડર, લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, સુંગધી પાન અને તેલ
- 1 ડુંગળી નાની સમારેલી
- 1 નાના સમારેલા ટામેટા
- 1 કેપ્સિકમ સમારેલું
- 3/5 કપ ઓટ્સ
- અડધો કપ સોજી
- 3/4 કપ દહીં
- 1 સેચેટ ઇનો

ઓટ્સ અને સોજીના અપ્પે બનાવવા માટેની રીત :
- આ હેલ્ધી અપ્પે બનાવવા સૌ પ્રથમ તમે એક બાઉલમાં દહીં કાઢીને તેને સારી રીતે ફેંટી લો. ત્યારબાદ ઓટ્સને મિક્સરમાં નાખી તેનો પાવડર બનાવો.
- ઓટસનો પાઉડર બનાવ્યા બાદ તેમાં દહીં ઉમેરો પછી તેમાં સોજી ઉમેરી આ મિશ્રણને એકરસ કરો. ત્યારબાદ ઓટસ અને સોજીના મિશ્રણમાં જીરું, મિક્સ હર્બ્સ, મીઠું અને મરચાંના ટુકડા ઉમેરો.
- પછી ઓટસ અને સોજીનું બેટર બનાવો જે બહુ જાડું કે વધુ પાતળું ના હોવું જોઈએ. હવે બેટરને 10 મિનિટ માટે એરાટાઈટ વાસણમાં રેસ્ટ કરવા મૂકો. થોડો સમય આ મિશ્રણને રેસ્ટ આપ્યા બાદ તેમાં 1 સેચેટ ઈનો ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- હવે તમે અપ્પે પેન ગરમ કરો. અને તેમાં થોડું રસોઈ તેલ લગાવો જેથી અપ્પે ચોંટી ના જાય. તેલ લગાવ્યા બાદ અપ્પેમાં ઓટસ અને સોજીના બેટરને બધા બોલમાં ભરો.
- હવે પેનને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દો. પછી તેને ચમચી વડે ફેરવો અને બીજી બાજુ પણ કૂક કરો. આમ કરવાથી અપ્પે અંદરથી કાચા રહેશે નહી. જ્યારે અપ્પે બંને બાજુથી શેકાઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.
- અપ્પે બન્યા બાદ તેમાં તડકો લગાવો. તડકા (વઘાર) લગાવવા એક પેનમાં રસોઈ તેલ ગરમ થાય એટલે તેમાં સરસવ, સમારેલા લીલા મરચાં,લીમડો ઉમેરો. પછી ડુંગળી, ટામેટા, કેપ્સિકમ ઉમેરી થોડીવાર રાંધો. તૈયાર કરેલા તડકામાં આપ્પે ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- સ્વસ્થ અને સ્વાદિષ્ટ ઓટ્સ સોજીનો નાસ્તો તૈયાર થઈ ગયો. તમે આ વાનગીને લીલી ચટણી અથવા દહીં તેમજ ખજૂર અથવા તો નાળિયેરની ચટણી સાથે ખાઈ શકો છો.