દિવાળી એ પ્રકાશનું પર્વ છે. આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. દિવાળીમાં દરેક ઘરમાં દીપ પ્રગટાવવામાં આવે છે. આ દિવસોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દરેક ઘર રોશનીથી શણગારેલું હોય છે. રાત્રિના સમયે દિવાળીમાં અદ્ભૂત નજારો જોવા મળે છે. આ તહેવારમાં ધાર્મિક પૂજન સાથે ફટાકડા ફોડવાની પણ પરંપરા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ફટાકડામાં વપરાતા રસાયણોના લીધે હવામાં પ્રદૂષણ વધ્યું છે. અને એટલે જ કેટલાક વિસ્તારોમાં ફટાકડા પર પ્રતિબંધ લગવવાની માગ જોર પકડી રહી છે. ત્યારે ગ્રીન ફટાકડા અત્યારે ખૂબ ચર્ચામાં છે.
જાણો શું છે આ ગ્રીન ફટાકડા
આપણે ફટાકડા વિશે સાંભળ્યું છે પરંતુ શું તમે કયારેય ગ્રીન ફટાકડા વિશે સાંભળ્યું છે. શું છે આ ગ્રીન ફટાકડા. CSIR-NEERI (નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા ગ્રીન ફટાકડાની શોધ કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડા અન્ય ફટાકડા કરતાં ઓછો ધુમાડો અને ઓછો અવાજ ઉત્પન્ન કરે છે. સામાન્ય ફટાકડા જયાં 160 ડેસિબલ સુધી અવાજ કરે છે ત્યારે ગ્રીન ફટાકડા 110 થી 125 ડેસિબલ સુધી અવાજ કરે છે. સામાન્ય રીતે ગ્રીન ફટાકડા ત્રણ પ્રકારના છે. SWAS, SAFAL અને STAR આ ફટાકડાથી પ્રદૂષણ થતું નથી.













