દિવાળી તહેવારને લઈને બજારમાં રોનક છે. લોકો મીઠાઈ, ફટાકડા અને પોશાકની ખરીદી કરી રહ્યા છે. દિવાળી તહેવારમાં મીઠાઈ અને નાસ્તા ખાવાનો લોકો ભરપૂર આનંદ લે છે. દિવાળીની સાથે અત્યારે ઠંડીની પણ દસ્તક છે. સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. ઠંડીના દિવસોમાં શરીરને ઉર્જાવાન રાખવા ડ્રાયફ્રૂટનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈના બદલે આરોગ્યનું ધ્યાન રાખવા તમે બદામનું સેવન કરી શકો છો. બદામ ખાવાના આ છે ફાયદા.
પલાળેલી બદામ ખાવાના ફાયદા
બદામમાં વિટામિન E, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પ્રચૂર માત્રામાં છે. પલાળેલા બદામનું બાહ્ય પડ નરમ બને છે, જેનાથી તે ચાવવામાં અને પચવામાં સરળ બને છે. પલાળવાથી બદામમાં રહેલા ઉત્સેચકો સક્રિય થાય છે, જે શરીરને વિટામિન અને ખનિજોને સરળતાથી શોષવામાં મદદ કરે છે. પલાળેલી બદામમાં રહેલું વિટામિન E વધુ અસરકારક છે, જે ત્વચાને નરમ અને વાળને મજબૂત બનાવે છે. તેમજ તેનું સેવન શરદી અને ચેપ સામે પણ રક્ષણ આપે છે.













