આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. "સેવાઓની ઍક્સેસ: આપત્તિઓ અને કટોકટીમાં માનસિક સ્વાસ્થ્ય" આ વર્ષ 2025 ની થીમ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સર્જાયેલ સ્થિતિ બાદ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે તે બાબત ધ્યાનમાં આવી હતી. અને 1992 પછી દરવર્ષે વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) દ્વારા 10 ઓક્ટોબરના દિવસે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે.
માનસિક તંદુરસ્તી પણ જરૂરી
ડોક્ટરો પણ શારીરિક સ્વસ્થતા માટે માનસિક તંદુરસ્તી પર ભાર મૂકી રહ્યા છે. આજે સમય બદલાયો છે. પહેલાની સરખામણીએ અત્યારે લોકો માનસિક સ્વાસ્થયને લઈને ખુલીને વાત કરી રહ્યા છે. અત્યારે સ્પર્ધાત્મક યુગમાં લોકોમાં માનસિક તણાવ વધ્યો છે. આપણે ફક્ત મુશ્કેલ સમયમાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં પણ આપણા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સમાજ ચિંતકો અને ડોક્ટરોનું પણ માનવું છે કે બદલાયેલી જીવનશૈલીના કારણે આગામી સમયમાં માનસિક તણાવ અને હતાશા વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની શકે છે. ત્યારે એ જાણવું ખાસ જરૂરી છે કે આપણે કેટલીક સારી આદતો અપનાવીને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ.













