આજની ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકો થાક અને સુસ્તીને સામાન્ય ગણીને નજર અંદાજ કરી દેતા હોય છે. કામનું દબાણ, અપૂરતી ઊંઘ અથવા વ્યસ્ત દિનચર્યાને તેનું કારણ માનીને લોકો ઘણીવાર તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, વારંવાર અથવા લાંબા સમય સુધી રહેતો થાક શરીરમાં છુપાયેલી કોઈ મોટી બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.
મહેનત વગર સતત થાક લાગવાનું કારણ શું?
જો તમે કોઈ વધારે શારીરિક મહેનત નથી કરતા, તેમ છતાં પણ આખો દિવસ શરીરમાં નબળાઈ કે આળસ છવાયેલી રહે છે, તો તે માત્ર ઉર્જાની કમી નથી. શરીરનું વધતું વજન અને મેદસ્વીતા (Obesity) પણ એનર્જી લેવલને ઘટાડે છે, જેનાથી વ્યક્તિ ઝડપથી થાકી જાય છે. આ ઉપરાંત, અનિયમિત ખાનપાન, બેઠાડુ જીવનશૈલી, માનસિક તણાવ (Stress) અને પૂરતી ઊંઘ ન લેવાની આદત આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. લાંબા સમય સુધી આ લક્ષણોની અવગણના કરવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લીવર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
ઉનાળામાં હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખો
ગરમીની ઋતુમાં શરીરમાં પાણીની અછત (Dehydration) થવી એ થાક અને નબળાઈનું સૌથી મોટું કારણ છે. તેથી, દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ પાણી, નાળિયેર પાણી કે અન્ય સ્વાસ્થ્યવર્ધક પ્રવાહી પદાર્થોનું સેવન કરવું અનિવાર્ય છે, જેથી શરીર હાઇડ્રેટ રહે અને ઉર્જા જળવાઈ રહે.
ડોક્ટરની સલાહ ક્યારે લેવી જરૂરી છે?
જો તમને ઘણા અઠવાડિયા સુધી સતત થાક લાગતો હોય અને તેની સાથે અચાનક વજન વધવું, શ્વાસ ફૂલવો, ભૂખ ઓછી લાગવી કે શરીરમાં અન્ય અસામાન્ય ફેરફારો દેખાય, તો તરત જ તબીબી તપાસ કરાવો. સમયસર નિદાન થવાથી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
થાક અને સુસ્તી દૂર કરવાના સરળ ઉપાયો:
પૌષ્ટિક આહાર: રોજિંદા ખોરાકમાં સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર આહાર લો.
નિયંત્રણ: મીઠું, ખાંડ અને વધુ પડતા તેલ-ઘીવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો.
શારીરિક પ્રવૃત્તિ: રોજ સવારે કે સાંજે 30 થી 45 મિનિટ વોકિંગ (ચાલવું), યોગ કે કસરત કરો.
પૂરતી ઊંઘ: રોજ 7 થી 8 કલાકની ગાઢ અને સારી ગુણવત્તાવાળી ઊંઘ લો.
મેડિટેશન: માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાન કે રિલૅક્સેશન ટેકનિકનો સહારો લો.
રોજબરોજની નાની પરંતુ સારી આદતો અપનાવીને તમે આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો અને ઘણી બીમારીઓથી બચી શકો છો.
આ પણ વાંચો:Nepal News:શું તમારે રાજદૂત બનવું છે?નેપાળ સરકારે સામાન્ય નાગરિકો પાસેથી મંગાવી અરજીઓ